રેસકોર્સ સંકુલ હસ્તકની રમતગમત સુવિધાઓનું માસિક, ત્રિમાસિક તથા સ્નાનાગારની સુવિધાઓનું ત્રિમાસિક રજિસ્ટ્રેશન તથા નવનિર્મિત મવડી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રમતગમત સુવિધાઓનું ત્રિમાસિક રજિસ્ટ્રેશન આજથી એટલે કે શુક્રવારના રોજ સવારે 11.00 કલાકથી www.rmc.gov.in પરથી ઓનલાઇન તથા રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના તમામ સિવિક સેન્ટર તથા વોર્ડ ઓફિસ ખાતે થઇ શકશે.
આ ઉપરાંત પેડક રોડ પર આવેલા શ્રી સ્વામી વિવેકાનંદ સ્નાનાગાર રિનોવેશનની કાર્યવાહી હાથ ધરવાની હોય આ સ્નાનાગાર તા.1લી જુલાઇથી અંદાજિત 9 માસ માટે બંધ રહેશે. પેડક રોડ પરનો સ્વિમિંગ પૂલ રિનોવેશન માટે બંધ કરવાનો નિર્ણય કરાતાં તેના વાર્ષિક મેમ્બરોને અન્ય સ્વિમિંગ પૂલમાં જવા માટે મંજૂરી આપવાનો નિર્ણય કરાયો છે અને હાલમાં લોકમાન્ય તિલક સ્નાનાગાર રેસકોર્સ ખાતે તો મંજૂરી પણ આપી દીધી છે.
જ્યારે રાજકોટ મનપા હસ્તકની વિવિધ રમતગમતની સુવિધાઓ જેવી કે સિન્થેટિક એથ્લેટિક ટ્રેક, સિન્થેટિક ટેનિસ કોર્ટ, બાસ્કેટબોલ કોર્ટ, વોલીબોલ કોર્ટ, રેસકોર્સ જીમ, નાનામવા મલ્ટિ એક્ટિવિટી સેન્ટર લેડીઝ જીમ, શેઠ હાઇસ્કૂલ જીમ, હૈદરી ચોક સ્થિત જીમ તથા મવડી ખાતે નવનિર્મિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તથા પાંચેય સ્નાનાગરોમાં માસિક, ત્રિમાસિક, છ માસિક તથા વાર્ષિક પ્રવેશ પ્રક્રિયા માહે એપ્રિલ 2025માં શરૂ કરવામાં આવી હતી જેમાં અત્યાર સુધીમાં કુલ 15098 સભ્ય વિવિધ રમતગમતમાં નોંધાયા છે અને મવડી સ્પોર્ટ્સ સંકુલમાં માત્ર 552 સભ્ય જ નોંધાયા હોય ત્યાં આજથી ફરી રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવનાર છે. વોર્ડ નં.12માં મવડી ખાતે અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સામેલ રમતો જેવી કે લોન ટેનિસ, વોલીબોલ, બાસ્કેટબોલ તથા બેડમિન્ટન કોર્ટમાં માત્ર મેમ્બરશિપ આપવામાં આવે છે આ રમતો માટે કોચિંગ સુવિધા ઉપલબ્ધ નથી.