પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને કલકત્તા હાઈકોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. હાઇકોર્ટે સોમવારે 2016માં થયેલી શિક્ષક ભરતી રદ કરી હતી. આ ઉપરાંત ગેરકાયદેસર નિમણૂક પર કામ કરતા શિક્ષકો પાસેથી છેલ્લાં 7-8 વર્ષ દરમિયાન મળેલો પગાર પાછો લેવા પણ નિર્દેશ આપવામાં આવ્યા છે.
કલકત્તા હાઈકોર્ટના જસ્ટિસ દેવાંગશુ બસાક અને જસ્ટિસ શબ્બર રશિદીની બેન્ચે પશ્ચિમ બંગાળ સ્કૂલ સર્વિસ કમિશન (WBSSC)ને નવી નિમણૂક પ્રક્રિયા શરૂ કરવાનો નિર્દેશ પણ આપ્યો છે. તમામ ગેરકાયદેસર શિક્ષકો સામે 15 દિવસમાં કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ હાઈકોર્ટના આદેશને ગેરકાયદે ગણાવ્યો છે. તેમણે કહ્યું- અમે તેમની સાથે ઊભા છીએ જેમણે નોકરી ગુમાવી છે. આ નિર્ણય સામે અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું.
પશ્ચિમ બંગાળ સરકારે રાજ્ય સ્તરની પરીક્ષા દ્વારા સરકારી અને સહાયતા પ્રાપ્ત સ્કૂલો માટે શિક્ષણ અને બિન-શિક્ષણ કર્મચારીઓની ભરતી કરી હતી. ત્યારે 24,640 ખાલી જગ્યાઓ માટે 23 લાખથી વધુ લોકોએ ભરતીની પરીક્ષા આપી હતી.