લગ્ન ન કરવા અને લગ્ન વિશેનો ભય બન્ને અલગ બાબત છે. કોઈ યોગ્ય અને ચોક્કસ કારણથી વ્યક્તિ લગ્નથી દૂર રહે એ વાત અલગ છે પણ ખોટા બહાના અને બન્ને તરફી વધુ અપેક્ષાઓ ગેમોફોબિયા તરફ લઈ જાય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થી દુમાદિયા પૂજા અને રાઠોડ નેન્સીએ અધ્યાપક ડૉ.ધારા દોશીના માર્ગદર્શન હેઠળ ગેમોફોબિયા વિશે 1242 લોકોનો એક સરવે કર્યો છે. જેમાં કેટલાક ચોંકાવનારા તારણો બહાર આવ્યા છે.
90.10% લોકોએ કહ્યું કે, આજના યુવાનો લગ્ન ન કરવાના અથવા મોડા લગ્ન કરવાના વિચારો ધરાવે છે. 84.70% લોકોએ કહ્યું કે, વધુ પડતી સ્વતંત્રતાની ઈચ્છાઓ લગ્નના નિર્ણય ને અસર કરે છે. 81.80% લોકોએ કહ્યું કે, ભૂતકાળના ખરાબ અનુભવ લગ્ન ન થવા માટે જવાબદાર છે. 75.60% લોકોએ કહ્યું કે, મનપસંદ પાત્ર ન મળવાને કારણે પણ યુવાનો લગ્ન કરવાનો ટાળે છે. 74.40% લોકોએ કહ્યું કે, યુવાનો અન્યના અનુભવને કારણે લગ્ન કરવાનું ટાળે છે. 70.70% લોકોએ કહ્યું કે, યુવાનો અન્ય પર વિશ્વાસ ન રાખી શકવાને કારણે પણ લગ્ન નથી કરતા.
સરવેમાં જાણવા મળ્યું કે, લગ્નથી દૂર ભાગવા માટે ઘણા બધા પરિબળો જવાબદાર હોઈ શકે છે. જેમ કે ફોન, જવાબદારીની બીક, પશ્ચિમના દેશોની દેખાદેખી, બોલિવૂડ, વધારે પડતી અપેક્ષા, કરિયર, પોતાનો પ્રેમ ન મળવો, કડવા અનુભવો, એક વખત છૂટાછેડા થયા પછી લગ્નનો ભય, વિશ્વાસપાત્ર વ્યક્તિનો અભાવ વગેરે. સરવે દરમિયાન લોકોએ જુદા જુદા મંતવ્યો પણ આપ્યા છે જેમાં કેટલાકે જણાવ્યું કે, દરેક નવયુવાનને આગળ વધવું છે, નામ કમાવું છે, કારકિર્દી બનાવી છે તો એ બધા લગ્નથી દૂર ભાગે છે. પછી બહુ મોટી ઉંમરે લગ્નનો વિચારે છે. તો કોઈ કહે છે કે, લિવ ઇન રિલેશનશિપ- ધીરે ધીરે આ કોન્સેપ્ટ સાથેની જ યુવાપેઢી આવી રહી છે.