રાજકોટથી મનાલીનાં પ્રવાસમાં ગયેલા મહાત્મા ગાંધી સ્કૂલના વિદ્યાર્થીઓને ગઈકાલે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોવાની ઘટના સામે આવી હતી. આ અંગે આજે NSUI દ્વારા સ્કૂલ સંચાલકને રજૂઆત કરવામાં આવી હતી અને એજન્સી દ્વારા આવા પ્રવાસ નહીં યોજવાની તેમજ પ્રવાસમાં ગયેલા બાળકોની તકેદારી રાખવા જેવી અપીલ કરવામાં આવી હતી. સ્કૂલનાં પ્રિન્સિપાલે પણ તેઓ સતત વિદ્યાર્થીઓનાં સંપર્કમાં હોવાનું અને હાલમાં બાળકો એન્જોય કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. સાથે જ પ્રવાસ પૂર્ણ થયા બાદ એજન્સી સામે જરૂરી પગલાં લેવાની તેમજ હવે પછી આવા પ્રવાસ નહીં યોજવાની પણ ખાતરી આપી હતી.
પ્રાપ્ત વિગત મુજબ, ગઈકાલે મહાત્મા ગાંધી સ્કૂલના પ્રવાસમાં મનાલી ગયેલા વિદ્યાર્થીઓનો વીડિયો સામે આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, મનાલીમાં ચાલુ વરસાદે યુનિવર્સિટી ક્લબના મેનેજર 45 વિદ્યાર્થીને મૂકીને અન્ય બસમાં ચાલ્યા ગયા છે અને તેને કારણે બે કલાક સુધી વિદ્યાર્થીઓ વરસાદમા પલળ્યા હતા. જેને લીધે વિદ્યાર્થીઓની તબિયત બગડી હતી તો તેમનો સામાન પણ પલળી ગયો હતો. બાદમાં બસ આવતા તેમાં પણ પાણી પડતું હોવાથી વિદ્યાર્થીઓને મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે.