11-પોરબંદર લોકસભા વિસ્તારના સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આગામી 07 અને 08 ફેબ્રુઆરી 2026 ના રોજ રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના પ્રવાસે પધારશે. આ બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ લોકકલ્યાણના કાર્યક્રમો, વિકાસકાર્યોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત વિધિમાં સહભાગી થઈ જનતા સાથે સીધો સંવાદ કરશે.
પ્રથમ દિવસ: સેવા સેતુ અને મેડિકલ કેમ્પ
પ્રવાસના પ્રથમ દિવસે, 07 ફેબ્રુઆરી 2026, શનિવારના રોજ સવારે 11:00 કલાકે તેઓ રાજકોટ જિલ્લાના જેતપુર માર્કેટિંગ યાર્ડ ખાતે આયોજિત ‘સેવા સેતુ’ કાર્યક્રમમાં હાજરી આપશે. આ પ્રસંગે વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણની સાથે-સાથે વિશાળ મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ સાંજે 4:00 કલાકે તેઓ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે, જ્યાં પણ વિકાસલક્ષી કાર્યો અને મેડિકલ કેમ્પ યોજાશે. દિવસના અંતિમ ચરણમાં સાંજે 6:30 કલાકે તેઓ પોરબંદર જિલ્લાના માધવપુર ગામે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે.
બીજો દિવસ: કાર્યકર્તાઓ સાથે મુલાકાત અને માર્ગદર્શન
પ્રવાસના બીજા દિવસે, 08 ફેબ્રુઆરી 2026, રવિવારના રોજ સવારે 10:30 કલાકે કેન્દ્રીય મંત્રી રાણાવાવ તાલુકા ભાજપ પ્રમુખના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લેશે. ત્યારબાદ સવારે 11:30 કલાકે રાણાવાવ ખાતે સ્થાનિક કાર્યકર્તાઓ સાથે બેઠક અને શુભેચ્છા મુલાકાત યોજશે. પ્રવાસના અંતે બપોરે 2:00 કલાકે તેઓ કુતિયાણા સ્થિત કર્મયોગી સ્કૂલની મુલાકાત લેશે અને ત્યાં ઉપસ્થિત કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરીને સંગઠનલક્ષી માર્ગદર્શન પૂરું પાડશે.