રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 93 સ્કૂલમાં ગત એપ્રિલ માસનો પગાર 15મી તારીખ સુધી ન થતા 1120 જેટલા શિક્ષકોમાં ભારે દેકારો બોલી ગયો હતો અને અનેક શિક્ષકોના હપ્તાના ચેક બાઉન્સ થાય તેવી સ્થિતિ નિર્માણ પામી હતી. શુક્રવારે આ 1120માંથી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં ખાતા ધરાવતા 850 જેટલા શિક્ષકોનો પગાર થઇ ગયો હતો જ્યારે એક્સિસ બેન્કમાં ખાતા 10 જેટલી સ્કૂલના 250 જેટલા શિક્ષકો હજુ પણ પગારથી વંચિત છે અને તેમનો પગાર શનિવારે ખાતામાં જમા થશે.
શાસનાધિકારી કિરીટસિંહ પરમારે જણાવ્યું કે તિજોરી કચેરીના આઇએફએમએસ ઓનલાઇન પ્રોગ્રામ મારફત શિક્ષકોનો પગાર શાસનાધિકારીના ખાતામાંથી આવે છે. જેમાંથી શિક્ષકોના ખાતામાં પગાર કરાય છે. પરંતુ તિજોરી કચેરીના આઇએફએમએસ ટેક્નિકલ ક્ષતિના કારણે 7-8 દિવસ બંધ રહેવાથી પગાર મોડો થયો છે.