ઘણા સમયથી રાજકોટ શહેરમાં મનપા દ્વારા ડિમોલીશન કામગીરી બંધ કરી દેવામાં આવી હતી. તેનો આજે પુનઃ પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અંગે મળતી વિગત મુજબ શહેરના સામાકાંઠા વિસ્તારમાં વોર્ડનં 4 અને 5માં મનપા તંત્ર દ્વારા સંત કબીર રોડ, કૈલાશ ધારા મેઇન રોડ સહિત અન્ય બે જગ્યાઓ પર બિન કાયદેસર મકાનનું બાંધકામ ખડકી દેવાતા મનપાની અલગ અલગ ટીમ દ્વારા આજ રોજ જગ્યાએ પહોંચીને ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કૈલાશ ધારા મેઈન રોડ ખાતે એક 4 માળનું નવું બાંધકામ 4 મહિના પહેલા માલિક રાજકુમાર શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું. જોગવાઇ મુજબ ખુલ્લી જગ્યા છોડયા વગર બાંધકામ કરી દેવામાં આવ્યું હતું. જેને મનપાની દબાણ હટાવ ટુકડીએ દૂર કરવા ઓપરેશન હાથ ધર્યુ હતું. આ ઉપરાંત અન્ય બે જગ્યાઓએ જ આ વિસ્તારમાં બાંધકામ દૂર કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી.