રાજકોટમાં ટીબીનાં દર્દીઓમાં ચિંતાજનક વધારો થયો છે. વ્યસન અને કુપોષણની નાગચૂડમાં ફસાયેલી યુવા પેઢી અને ઉગતી પેઢી એવાં બાળકોમાં કેન્સરની જેમ ટીબી (ક્ષય) નું પ્રમાણ પણ વધી રહ્યું છે. રાજકોટમાં જાન્યુઆરી 2024થી નવેમ્બર 2025 વચ્ચે 83 બાળકો સહિત 5,134 ટીબીનાં દર્દીઓ મળી આવ્યા છે. આ આંકડો સ્વાસ્થ્ય વિભાગ માટે એક ગંભીર પડકાર ઊભો કરે છે. જોકે, મનપા દ્વારા 6 ટીબી સેન્ટરો તેમજ તમામ આરોગ્ય કેન્દ્રોમાં ટીબીના દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવે છે તેમજ સરકાર દ્વારા દર્દીઓને માસિક રૂ. 1000 પણ આપવામાં આવે છે. આગામી 24 માર્ચનાં વર્લ્ડ ટીબી દિવસ પૂર્વે રાજકોટને ટીબીથી મુક્ત કરવા માટે હાલમાં કામગીરી કરવામાં આવી રહી છે.
રાજકોટ મનપાનાં સિટી ટીબી ઓફિસર ડો. પરેશભાઈ કડીયાએ દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ટીબી નાબૂદ કરવા માટે સતત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ટીબીના દર્દીઓને શોધી યોગ્ય સારવાર આપવા 100 દિવસનું કેમ્પેઈન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક દર્દીઓની તપાસ અને સારવાર કરવામાં આવી છે. તેમજ સરકાર દ્વારા આવા દર્દીઓને ખાતામાં માસિક રૂ. 1000 જમા કરાવવામાં આવી રહ્યા છે. કેમ્પઈન બાદ પણ રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા સતત અભિયાન ચાલુ રાખવામાં આવ્યું છે.
કિશોરવયના અને યુવાનોમાં પણ વ્યસનને કારણે ટીબીનું પ્રમાણ વધ્યું આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ જાન્યુઆરી 2024થી નવેમ્બર 2024 દરમિયાન 2,148 કેસ મળ્યા હતા. જ્યારે નવેમ્બર 2024થી માર્ચ 2025 દરમિયાન 763 કેસ મળી આવ્યા હતા. અને ડિસેમ્બર 2024થી 30 નવેમ્બર 2025 સુધીમાં 2,223 દર્દીઓ સામે આવ્યા હતા. આમાં જાન્યુઆરી 2024થી નવેમ્બર 2025 સુધીમાં રાજકોટમાં કુલ 5,134 ટીબીનાં દર્દીઓ મળી આવ્યા છે. તાજેતરના સર્વેક્ષણમાં મળેલા 2,223 ટીબી પેશન્ટોમાં ઉંમર પ્રમાણે વિભાજન વધુ ચિંતાજનક છે. જેમાં 0થી 14 વર્ષની ઉંમરના બાળ દર્દીઓ, 83 તો 15થી 59 વર્ષની ઉંમરના 1,732 દર્દીઓ અને 60 વર્ષથી વધુ ઉંમરનાં 408 દર્દીઓ નોંધાયા છે. એટલે કે હાલમાં કિશોરવયના અને યુવાનોમાં પણ વ્યસનને કારણે ટીબીનું પ્રમાણ વધ્યું છે.
આજની યુવા પેઢીમાં દારૂ, સિગારેટ, પાન મસાલા, ગુટખા જેવા વ્યસનો ઘર કરી રહ્યા છે. ક્ષણિક આનંદ માટે આ યુવા વર્ગ ધીમે ધીમે ટીબી કે કેન્સર જેવી ગંભીર બીમારીને આમંત્રણ આપીને પોતાને અને પોતાના પરિવારને બરબાદ કરી રહ્યા છે. કિશોર કે તરુણ વયના બાળકોથી માંડીને 40-45 વર્ષ સુધીના યુવાનો સતત ધૂમ્રપાન કે પાન મસાલા ચાવતા નજરે પડે છે. સરકારે શૈક્ષણિક સંકુલથી 100 મીટરના અંતરમાં કોઈપણ પ્રકારના વ્યસનને આમંત્રણ આપે તેવા ગુટખા, પાન મસાલા, સિગારેટ વગેરેનું વેચાણ નહીં કરવા માટે કડક સૂચના આપી હોવા છતાં અનેક જગ્યાએ તેનો અમલ થતો નથી. આ પાછળ વહીવટી તંત્ર, પોલીસ તંત્ર અને શિક્ષણ તંત્રની ગુનાહિત બેદરકારી જવાબદાર ગણાય છે.