રાજકોટ મહાનગરપાલિકાએ ટાઉન પ્લાનર, મેનેજર, વોર્ડ ઓફિસર અને ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટની ભરતી પ્રક્રિયા બહાર પાડી હતી. આ ચારેયમાં કુલ 669 ઉમેદવારે ફોર્મ ભર્યા હતા જેની લેખિત પરીક્ષા રવિવારે લેવાઈ હતી. આ પરીક્ષામાં 409 ઉમેદવાર હાજર રહ્યા હતા અને 260 ગેરહાજર રહ્યા હતા. પરીક્ષાના એક કલાક પહેલાં બધા ઉમેદવારોને વીડિયોગ્રાફી બાદ પ્રવેશ આપવામાં આવ્યો હતો અને તમામ પ્રકારના ઈલેક્ટ્રોનિક ગેજેટને બહાર મૂકવામાંઆવ્યા હતા.
આ ભરતી પ્રક્રિયામાં ટાઉન પ્લાનરના સંવર્ગ માટે તમામ અરજદારો તરફથી અરજીઓ મગાવવામાં આવી હતી. જ્યારે મેનેજર, વોર્ડ ઓફિસર અને ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટની ભરતી ઈનહાઉસ એટલે કે મનપાના જ કર્મચારીઓમાંથી કરવાની હોવાથી તેમના જ ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા. મનપામાં છેલ્લા ઘણા સમયથી ખાલી જગ્યાઓ પડી છે તેમજ રાજીનામાઓ પણ ઘણા પડ્યા છે તેથી ચાલુ વર્ષથી જ ભરતીનું કેલેન્ડર જાહેર કરી જગ્યાઓ ભરવા અભિયાન શરૂ કરાયું છે.