રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર નાનામવા સર્કલ પાસે આવેલા રિલાયન્સ રિટેલ લિમિટેડના મોલમાંથી ખરીદેલો ગોળ ખરાબ નીકળ્યાની ફરિયાદ મળતા રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખાએ મંગળવારે રિલાયન્સ મોલમાં ચેકિંગ હાથ ધર્યું હતું અને ગોળ તથા ખજૂરના ચાર સેમ્પલ લઇ ચકાસણી માટે ફૂડ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ શાખાના ડેઝિગ્નેટેડ ફૂડ ઓફિસર ડો.હાર્દિક મેતાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, રિલાયન્સ મોલમાંથી ખરીદેલો ગોળ ખરાબ નીકળ્યાની ગ્રાહકની ફરિયાદ મળી હતી અને હોળી-ધુળેટીના તહેવારને કારણે ખજૂરની સિઝન હોય તેના સંદર્ભે ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006ની જોગવાઇ મુજબ રિલાયન્સ મોલમાંથી ‘રસમલાઇ ગોલ્ડ’ દેશી ગોળ 800 ગ્રામ પેકડ, ઝાહીદી ડેટસ ખજૂર 500 ગ્રામ પેકડ, નેચર ચોઇસ રોયાલે ફાર્ડ ડેટસ 500 ગ્રામ પેકડ અને એમ્પેરર ડેટસ ઝાહીદી ડેટસ ખજૂર 500 ગ્રામ પેકડના સેમ્પલ લઇ ચકાસણી માટે ફૂડ લેબોરેટરીમાં મોકલ્યા છે.
આ ઉપરાંત ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના શાસ્ત્રી મેદાન સામે હોકર્સ ઝોન તથા રાજનગર ચોકથી માયાણી ચોક સુધીના વિસ્તારમાં આવેલ ખાદ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 40 ધંધાર્થીને ત્યાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 14 ધંધાર્થીને લાઇસન્સ અને ચોક્કસાઈ રાખવા બાબતે સૂચના આપવામાં આવી હતી. તેમજ ખાદ્ય ચીજોના કુલ 37 નમૂનાની સ્થળ પર ચકાસણી કરાઇ હતી.