મનપાના 203 ડ્રાઇવર વાયદા મુજબ પગાર ન મળતા હડતાળ પર

રાજકોટ મહાનગરપાલિકામાં વાયદા મુજબ પગાર નહીં ચૂકવાતા 203 ડ્રાઇવર બુધવારે ફરી હડતાળ પર ઉતરી જતા દોડાદોડી થઇ ગઇ હતી અને ઇમર્જન્સી સેવાઓ પણ ઠપ થઇ ગઇ હતી. આ હડતાળમાં ફાયર બ્રિગેડ વિભાગના 81, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના 95 અને કંઝર્વન્સી વિભાગના 27 ડ્રાઇવર હડતાળ પર ઉતર્યા હતા.

મહાનગરપાલિકાના સૂત્રોએ જણાવ્યા અનુસાર બે દિવસ પહેલાં પગારના મુદ્દે કંઝર્વન્સી વિભાગના ડ્રાઇવરો હડતાળ પર ઉતરી ગયા હતા ત્યારે મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને એન્જિનિયરોએ મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો.

પગાર થઇ જશે તેવી ખાતરી આપી હતી. આ ખાતરીની મુદત પૂર્ણ થઇ જતા મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ, ફાયર શાખા અને કંઝર્વન્સી વિભાગના 203 ડ્રાઇવર હડતાળ પર ઉતરી ગયા હતા.

ડ્રાઇવરોએ પગાર વધારો, બોનસ અને ઇએસઆઇ કાર્ડ મળવું જોઇએ સહિતની માગણીઓ સાથે મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી.

આ હડતાળના પગલે મહાનગરપાલિકા દ્વારા એજન્સીને નોટિસ આપવામાં આવી છે. અગાઉ પણ ડ્રાઇવરો પગાર મુદ્દે અધિકારીઓને રજૂખાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *