રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ગુરુવારે રાજકોટ આવતા હોય મહાનગરપાલિકા દ્વારા વીઆઇપી રૂટ જાહેર કરી કુવાડવા રોડ પર રખડતા ઢોર પકડવા માટે પ્રાણી રંજાડ અંકુશ વિભાગની બે ટીમ દોડાવી હતી અને આ બે ટીમમાંથી એક ટીમે મેંગો માર્કેટ પાસેથી જાહેરમાં રખડતા પાંચ ઢોર પકડીને પાંજરે પૂર્યા હતા અને ત્યારબાદ મનપાની હદ બહાર પણ માલિયાસણ પાસે રખડતા ઢોર દેખાતા તેને રોડ પરથી દૂર કરવા કાર્યવાહી હાથ ધરી હતી.
ત્યારે સ્કોર્પિયો સહિતના વાહનોમાં 20થી 25 લોકોનું ટોળું ધસી આવ્યું હતું અને મનપાના ઢોર ડબ્બામાંથી દાદાગીરી કરી ઢોર છોડાવી લીધા હતા અને આ સમયે મનપાના એક્સ આર્મીમેને તેમને અટકાવવા પ્રયત્ન કરતાં તેમના સાથે પણ ઉદ્ધત વર્તન કર્યું હતું.
રાજકોટ મહાનગરપાલિકાના પ્રાણી રંજાડ અંકુશ વિભાગના સૂત્રોએ જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિનું આગમન થવાનું હોવાથી વીઆઇપી રૂટ પર ઢોર પકડવાની અને દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે મેંગો માર્કેટ પાસે રખડતાં ઢોર રસ્તા પર હોવાનું ટ્રાફિક શાખાએ જણાવતા પ્રાણી રંજાડ અંકુશ વિભાગની ટીમ ઢોર પકડવા દોડી ગઇ હતી અને પાંચ ઢોર ડબ્બે પૂર્યા હતા.
ત્યારબાદ મનપાની ટીમ ટર્ન મારવા સાત હનુમાન પાસે પહોંચી હતી ત્યારે માલિયાસણ પાસે રસ્તા પર રખડતા ઢોર નજરે પડતા તેમને ખસેડવા કવાયત હાથ ધરી હતી ત્યારે સ્કોર્પિયો કાર સહિતના વાહનોમાં ટોળું ધસી આવ્યું હતું અને મનપાના સ્ટાફ સાથે દાદાગીરી કરી એક્સ આર્મીમેન સાથે ધક્કામુક્કી કરી વાહનમાંથી ઢોર ઉતારી લીધા હતા.