શહેરમાં ખાડા, ફાયર સેફ્ટી, ફલેટો અને મકાનના કમ્પ્લિશનમાં લોકોને પડતી હાલાકી અને મહાનગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસે શુક્રવારે મહાનગરપાલિકાની કચેરી પર હલ્લાબોલ કર્યું હતું અને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે કચેરી ધણધણાવી સેન્ટ્રલ ઝોનમાં કમિશનરની ગેરહાજરીમાં ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને 10 દિવસમાં રસ્તા પરના તમામ ખાડાઓ નહીં બુરાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ખાસ કરીને બાંધકામ પ્લાન પાસ, કમ્પ્લિશન સર્ટિફિકેટ, ફાયર એનઓસી આપવામાં ચાલતા ભ્રષ્ટાચારના મુદ્દે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ બેફામ આક્ષેપો કરી તંત્રને સુધરી જવા અલ્ટિમેટમ આપ્યું હતું.
ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ આક્રોશ સાથે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, કોર્પોરેશનમાં ભાજપની છત્રછાયા નીચે ભ્રષ્ટાચાર ખુબ વધ્યો છે. ચોર અધિકારી અને ભાજપ છે. સરકારમાં બેઠેલા લોકો છે. ડેપ્યુટી કમિશનરને ખુલ્લેઆમ કહ્યું હતું કે તમે ચોર છો અને અમે શાહુકાર છીએ. સરકાર તમને માત્ર પોલીસ રક્ષણ આપી શકે છે અને પોલીસ અમને બે-ચાર દિવસ જેલમાં રાખી શકે તેટલી સત્તા ધરાવે છે. અમે ગુનેગાર નથી કે અમને વધુ સમય જેલમાં રાખી શકે.
પોલીસની તાકાત ચાર લાઠી મારવાથી વધારે નથી એટલે જરાપણ ભાજપના ટટ્ટુ બન્યા તો જોયા જેવી થશે. તમારી તાકાત અમે ગણાવી દીધી. કરપ્ટ લોકો, નાલાયક લોકોની તાકાત લાઠીથી વધુ નથી. આ ભાજપીઓએ ઘણા લોકોને જેલમાં પહોંચાડ્યા છે. તમને પણ મોકલશે. અધિકારી તરીકે નાના માણસોને હેરાન કરવાનું બંધ કરો. મકાનોની નોટિસના બદલામાં મતના સોદા કરવામાં આવે છે. પગાર જનતાના વેરામાંથી લ્યો છો અને તમારા કરપ્શન માટે ભાજપના ગોઠણે પડી ગયા છો. આખી જિંદગી લોકોએ તમારો પગાર ભોગવ્યો, હવે મહેરબાની કરો.