રાજકોટ મનપાની વેરા વસુલાત શાખા દ્વારા આજે જુદા જુદા વિસ્તારમાં વધુ 8 મિલ્કત સીલ કરવામાં આવી છે. જેમાં આજે વોર્ડ નં.3ના રેલનગરમાં એક નળ કપાતા 1.35 લાખનો વેરો જમા થયો હતો. તો વોર્ડ નં.5માં પેડક રોડ પર રતનદીપ સોસાયટીમાં એક નળ કનેકશન કાપી નાખવામાં આવ્યું હતું. વોર્ડ નં.7માં ગોંડલ રોડ ઉપર આવેલા જીમ્મી ટાવરમાં જુદા-જુદા માળ પર આવેલી વધુ 5 ઓફિસ બાકી વેરા માટે સીલ કરવામાં આવી છે. વોર્ડ નં.14ના ગાયત્રીનગરના અનિરૂધ્ધ કોમ્પ્લેક્ષમાં એક દુકાન અને ગુંદાવાડી-4માં એક મિલ્કત સીલ કરાઇ હતી. વોર્ડ નં.18ના ગોંડલ રોડ ઉપર પણ એક મિલ્કતને તાળા મારવામાં આવ્યા હતા. જેને લઈને આજે વધુ રૂ. 32.87 લાખની વસૂલાત થતા કુલ આંકડો રૂ. 377 કરોડને પાર પહોંચ્યો છે.
અન્ય બવાનમાં ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજી આવતીકાલે તા.4ને મંગળવારે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના કાર્યક્રમમાં હાજર રહેવાના હતા. પણ તેમની નાદુરસ્ત તબિયતના કારણે તેમનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. ટ્રસ્ટનાં પ્રમુખ દિલીપ સખીયાનાં જણાવ્યા મુજબ રાજયપાલ આચાર્ય દેવવ્રત વડાપ્રધાન મોદીના માતાના સ્મરણાર્થે બાલાજી વેફર્સના અનુદાનથી બનેલ હીરાબા સરોવરની આવતીકાલે ખાસ મુલાકાત લેવાના હતા અને કાલાવડ રોડ પર પેરેડાઈઝ હોલ ખાતે પ્રાકૃતિક ખેતીમાં અને જીવનમાં વરસાદી શુદ્ધ પાણીનું મહત્વ અને તેનું યોગ્ય જતન કરવા અંગે માર્ગદર્શન આપવાના હતા પરંતુ, અચાનક તેમની તબિયત લથડતા તેમનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.