મનપાનાં ચોપડે વિવિધ રોગના 2200 કરતા વધુ દર્દી નોંધાયા

રાજકોટમાં ચોમાસુ માહોલ વચ્ચે આ વર્ષે રોગચાળો સતત વકરી રહ્યો છે અને મનપાનાં ચોપડે ગત સપ્તાહે વિવિધ રોગોનાં મળી 2200 કરતા વધુ દર્દીઓ નોંધાયા છે. ફક્ત એટલું જ નહીં તાજેતરમાં વોર્ડ નં.7ના લોહાનગરમાં બે બાળકોને કોલેરાનો ગંભીર રોગચાળો લાગુ પડતા અને આ વિસ્તારને કલેકટરે કોલેરાગ્રસ્ત જાહેર કર્યો હતો. ત્યારે હાલમાં પશ્ચિમ રાજકોટની ભાગોળે અટલ સરોવર પાસે કંપનીના એક મજુરને પણ કોલેરાનું નિદાન થતા ફફડાટ ફેલાયો છે. અટલ સરોવર આજુબાજુનો વિસ્તાર પણ કોલેરાગ્રસ્ત કરવાની તજવીજ શરૂ કરાઇ છે.

પ્રાપ્ત વિગત મુજબ અટલ સરોવર પાસે ખાનગી કંપનીમાં મજુર કામ કરે છે. આ મજુરને ખોરાક કે પાણીજન્ય રસ્તે કોલેરાની અસર થતા તેને સારવાર આપવામાં આવી હતી. જોકે, હાલ તેની તબિયત સારી છે. આ ઉપરાંત સપ્તાહમાં મેલેરીયા, ડેન્ગ્યુ, ટાઇફોઇડ, કમળાના કેસ પણ બહાર આવતા ફફડાટનું વાતાવરણ છે. તા.8થી 14ના એક સપ્તાહમાં મેલેરીયાના 2 અને ડેન્ગ્યુના 3 દર્દી સત્તાવાર રીતે આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા છે. તો સીઝનલ રોગચાળાના કેસ વધીને 2227 પર પહોંચી ગયા છે. વીતેલા સપ્તાહમાં ખતરનાક તાવ ટાઇફોઇડના 4 અને કમળાનો 1 કેસ આવ્યો છે. ચોમાસુ વાતાવરણમાં શરદી-ઉધરસના 1261, સામાન્ય તાવના 559 અને ઝાડા-ઉલ્ટીના 401 દર્દીઓ નોંધાયા છે. જો કે આ આંકડો માત્ર મનપાનાં આરોગ્ય કેન્દ્રોમાં નોંધાતા દર્દીઓનો છે. ત્યારે સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી ક્લિનિકોની ગણતરી કરવામાં આવે તો દર્દીઓની સંખ્યા 10 હજાર કરતા વધુ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *