શહેરના એસ.ટી વર્કશોપ પાછળ ખોડિયારનગરમાં ગેરકાયદેસર ચાલતી મધુવન શાળાને બંધ કરી દેવા તાજેતરમાં જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આદેશ કરી દીધો છે. આ શાળામાં ધો.1 થી 8માં આશરે સવાસો જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેને નજીકની અન્ય શાળામાં પ્રવેશ આપવામાં આવશે. આ શાળામાં ધોરણ 9-10ની મંજૂરી નહીં હોવા છતાં બોગસ રીતે ચાલતી હોવાની ફરિયાદ જિલ્લા શિક્ષણાધિકારી સુધી પહોંચી હતી.
ડીઈઓની ટીમ જ્યારે આ ફરિયાદના આધારે મધુવન સ્કૂલમાં તપાસ કરવા ગઈ તો વધુ ગંભીર કૌભાંડ બહાર આવ્યું હતું. આ સ્કૂલમાં ધો.1થી8ના વર્ગો ચલાવવાની મંજૂરી હતી પરંતુ આ સ્કૂલનું શિક્ષણતંત્રના રેકર્ડ પર સરનામું જુદું હોવાનું સામે આવ્યું હતું. ધો.1થી4નું કોટડાસાંગાણી અને ધો.5થી8નું શીતલપાર્ક પાસે આવેલા મોચીનગરમાં સરનામું દર્શાવેલું હતું. પરંતુ શાળા ખરેખર ચાલતી હતી ખોડિયારનગરમાં. ડીઈઓએ આ અંગે શાળાના સંચાલકોને નોટિસ ફટકારી તેમનું હિયરિંગ પણ કર્યું હતું. જેમાં આખરે ખોડિયારનગરમાં ચાલતી ધો.1 થી 8ની મધુવન સ્કૂલ ગેરકાયદે હોવાનું બહાર આવતા બંધ કરી દેવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આદેશ કરી દીધો છે.