મધરાત્રે ઘરમાં ઘૂસેલા તરુણને લોકોએ ચોર કહી ઢીબી નાખ્યો

શહેરના રૈયા રોડ પર હનુમાનમઢી ચોક નજીકના છોટુનગરમાં શનિવારે મધરાતના બનેલી ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી. રાત્રીના એક ઘરમાં દેકારો થતાં લોકોએ તરુણને ઝડપી લઇ ચોર કહી ધોકા-પાઇપના ઘા ઝીંકી ઢીબી નાખ્યો હતો. સ્થળ પર પહોંચેલી પોલીસે તરુણને હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસે પૂછપરછ કરતાં મધરાત્રે પ્રેમિકાને મળવા ઘરમાં ઘુસ્યાનું રટણ રટતાં મામલો ગૂંચવાયો હતો. પોલીસે વિશેષ તપાસ શરૂ કરી હતી.

શનિવારે મધરાત્રે છોટુનગરમાંથી પોલીસ કન્ટ્રોલરૂમ પર ફોન કરવામાં આવ્યો હતો અને ચોર પકડ્યાની જાણ કરી હતી. કન્ટ્રોલરૂમની સૂચનાથી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની પીસીઆર વેન સ્થળ પર પહોંચી હતી. પોલીસ પહોંચી ત્યારે એક તરુણ લોહિયાળ હાલતમાં હતો, લોકોએ તેને પકડી રાખ્યો હતો. પોલીસે પૂછપરછ કરતાં લોકોએ કહ્યું હતું કે, આ શખ્સ ચોક્કસ મકાનમાં ચોરી કરવાના ઇરાદે ઘુસ્યો હતો, ઘરના લોકો જાગી જતાં દેકારો કર્યો હતો અને પાડોશીઓ દેકારો સાંભળી એકઠા થઇ ગયા હતા અને ભાગી રહેલા આ શખ્સને ઝડપી લીધો હતો. ચોરી કરવાના ઇરાદે ઘરમાં ઘુસ્યો હોવાથી લોકોએ તેને મેથીપાક આપી રોષ ઠાલવ્યો હતો.

ઝડપાયેલા શખ્સે પોતાની ઉંમર 17 વર્ષની હોવાનું કહ્યું હતું તે લોહિયાળ હાલતમાં હોવાથી પોલીસ જ તેને સિવિલ હોસ્પિટલે લઇ ગઇ હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. ઘટનાને પગલે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.બી.પટેલ સહિતની ટીમ હોસ્પિટલે પહોંચી હતી. તરુણે પોલીસ સમક્ષ કહ્યું હતું કે, પોતે મધરાતના પ્રેમિકાને મળવા ઘરમાં ઘુસ્યો હતો, પરંતુ ઘરના લોકો જાગી ગયા હતા અને દેકારો મચાવતા વિસ્તારના લોકો એકઠા થઇ ગયા હતા અને ચોર સમજી માર માર્યો હતો. હોસ્પિટલના બિછાને પડેલો શખ્સ પોતાને તરુણવયનો કહે છે, પરંતુ તેની સાચી ઉંમર જાણવા પોલીસે કેટલાક દસ્તાવેજો હાથવગા કરવાની કવાયત શરૂ કરી હતી. બીજીબાજુ આ તરુણ ખરેખર પ્રેમિકાને મળવા ઘરમાં ઘુસ્યો હતો કે ઘરના લોકો જાગી જતાં પોતાને બચાવવા માટે ખોટી સ્ટોરી ઊભી કરી હતી તે દિશામાં પણ પોલીસે તપાસ કેન્દ્રિત કરી હતી. હાલ તો આ ઘટનાએ છોટુનગર વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *