મંદિરોમાં લૂંટ ચલાવતી ગેંગ ઝડપાઇ, રૂપિયા 4.49 લાખનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ સહિત અન્ય જિલ્લાના મંદિરમાં લૂંટ ચલાવનાર ગેંગને પકડવામાં અંતે રાજકોટ જિલ્લા પોલીસને સફળતા મળી છે, પોલીસે ત્રણ શખ્સને ઝડપી કોટડાસાંગાણી, ગોંડલ તાલુકા, ટંકારા અને ચોટીલાની લૂંટનો ભેદ ઉકેલ્યો છે. લૂંટના બનાવમાં રાજકોટમાં હુડકો ચોકડી પાસે રહેતા રાકેશ ઉર્ફે રાહુલ મુકેશ ઉર્ફે મનસુખ સોલંકી, વિજય મુકેશ ઉર્ફે મનસુખ સોલકી અને આશાપુરાનગરના રોનક રાજેશ ગીરજાશંકર ભટ્ટની ભૂમિકા હોવાની માહિતી મળતાં એલસીબીના પીઆઇ વી.વી. ઓડેદરા સહિતની ટીમે ત્રણેયને સકંજામાં લીધા હતા.

પોલીસની પૂછપરછમાં ત્રણેય શખ્સોએ 25 જુલાઇના ગોંડલ હાઇવે પર વાઘેશ્વર મહાદેવ મંદિરમાં ઘૂસી મહંતને મારમારી લૂંટ ચલાવી હતી, તા.30 જુલાઇના ટંકારા પાસે ખોડિયાર માતાજીના મંદિરમાં ઘૂસી સાધ્વીને મારમારી લૂંટ કરી હતી, તા.2 ઓગસ્ટના કોટડા સાંગાણીના સોળિયામાં રોકડિયા હનુમાનજી મંદિરમાં મહંતને માર મારી દાગીના લૂંટ્યા હતા તેમજ 6 ઓગસ્ટના ચોટીલાના નાની મોલડી પાસેના અંબે મંદિરમાં પણ લૂંટ કર્યાની કબૂલાત આપી હતી. પોલીસે રૂ.4.49 લાખનો મુદ્દામાલ જપ્ત કરી લૂંટમાં દિલીપ ઉર્ફે સરખડિયો, મનસુખ પરમાર, દિલીપનો મિત્ર અને અન્ય એકની સંડોવણી ખૂલતા પોલીસે તે ત્રણેયની શોધખોળ આદરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *