મંદિરે દર્શન કરી પગપાળા આવતા વૃદ્ધાના સોનાના ચેનની ચીલઝડપ

શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં લાખના બંગલા પાસે અક્ષરનગરમાં રહેતા 73 વર્ષીય વૃદ્ધા જૂના એરપોર્ટ પાછળના રોડ પર આવેલા મંદિરે દર્શન કરી સાંજના સમયે પગપાળા ઘરે જઈ રહ્યા હતા ત્યારે બાઇક પર આવેલા બે અજાણ્યો શખ્સોમાંથી પાછળ બેઠેલા શખ્સે વૃદ્ધાના ગળામાં ઝોંટ મારી રૂદ્રાક્ષના પારાવાળો સોનાના ચેનની ચીલઝડપ કરી હતી. રૂ.60 હજારની કિંમતના ચેનની ચીલઝડપ થયાની વૃદ્ધા દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સીસીટીવીની ફૂટેજના આધારે બંને શખ્સની શોધખોળ હાથ ધરી છે.

ગાંધીગ્રામ વિસ્તારમાં લાખના બંગલાવાળા રોડ પર અક્ષરનગર-3માં રહેતા મંજુલાબેન ડાહ્યાભાઈ મોલિયા(ઉ.વ.73) નામના વૃદ્ધાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ઘર નજીક જૂના એરપોર્ટની પાછળના રોડ પર આવેલ રાધાકૃષ્ણ મંદિર પર સાફ-સફાઈ અને આરતી કરવા માટે નિયમિત જાય છે.

બુધવારે સાંજના છ વાગ્યા આસપાસ તેઓ મંદિરે ગયા હતા. ત્યાંથી સાંજે સાડા સાત વાગ્યે મંદિરેથી પગપાળા ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે નજીકમાં જ બે અજાણ્યા બાઈકસવાર સામેથી બાઇક ચલાવીને આવ્યા હતા. અને બાઈકમાં પાછળ બેઠેલા શખ્સે વૃદ્ધાના ગળામાં ઝોંટ મારી સોનાનો ચેન તથા રૂદ્રાક્ષનો પારો ખેંચતા તેઓ નીચે પડી ગયા હતા. બાદમાં બંને ત્યાંથી નાસી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *