મંત્રી બાવળિયાના વિસ્તારમાં જ પોલીસ સ્ટેશન પર ટોળાંનો હુમલો

પોલીસ સ્ટેશન સુધી 12000થી વધુનું ટોળું ધસી આવે, પથ્થરમારો કરે અને તેમાં 7 પોલીસમેનને ઈજા થતાં બચાવ માટે ટિયરગેસ છોડવા પડે. આવી ઘટનાઓ રાજકોટમાં બનતી નથી આ જ કારણે વીંછિયામાં પોલીસ સ્ટેશન પર ટોળાંના હુમલાની ઘટનાના પડઘા છેક દિલ્હી સુધી પહોંચ્યા છે. ખાસ કરીને કેબિનેટ મંત્રીના વિસ્તારમાં જ આ ઘટના બનતા ગુપ્ત તપાસ શરૂ કરાઈ છે. વીંછિયામાં લેન્ડ ગ્રેબિંગની અરજી કરનાર નિર્દોષ યુવાનની હત્યા થઈ હતી. આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે માંગ કરાઈ હતી જોકે પોલીસે તેવું ન કરતાં ટોળું પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું અને જોત જોતામાં 12000થી વધુના આ ટોળાંએ પથ્થરમારો શરૂ કર્યો હતો.

પોલીસે બચાવ માટે ટિયરગેસના સેલ છોડ્યા હતા. આ ઘટના બન્યાની કલાકોમાં જ દિલ્હી સુધી વાત પહોંચી હતી જેથી તપાસ એજન્સીઓને આ મામલે દોડાવવામાં આવી હતી. એજન્સીઓએ રિપોર્ટ કર્યો છે કે, આ વિસ્તાર કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનો છે અને તેઓ આ વિસ્તારમાં ખૂબ જ પ્રભાવ ધરાવે છે. લોકપ્રિય અને આગવી છાપ હોવા છતાં બાવળિયાની ધ્યાન બહાર ટોળું એકઠું થઈ પોલીસ સ્ટેશન પર હુમલો કરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હાથમાં લે તે ખૂબ જ ગંભીર અને નોંધ લેવાની બાબત છે.

તપાસ એજન્સીઓએ તો સમગ્ર બાબત નોંધીને આ આખી ઘટના સુનિયોજિત હોવાની પણ પુષ્ટિ કરી છે અને તે મામલે જવાબદાર વ્યક્તિઓના નામ પણ તેમાં આપ્યા છે. તપાસ એજન્સીઓએ રિપોર્ટમાં ઉલ્લેખ કર્યો છે કે, કેબિનેટ મંત્રીના વિસ્તારમાં જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળે તો અન્ય વિસ્તારોમાં તેની વિપરીત અસર આવી શકે છે. આ કારણે આ મામલો આગળ વધે તે પહેલાં જ તેને ડામી દઈ લોકોને ઉશ્કેરનાર સામે પગલાં ભરવાની જરૂરિયાત છે. આ કારણે હવે કેન્દ્રમાં આ રિપોર્ટના વાંચન બાદ રાજ્ય સરકારને આદેશ કરાય છે કે રાજ્ય સરકાર જ તે પહેલાં કોઇ કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *