મંજૂરી વિના વિદ્યાર્થીઓનું સ્થળાંતર કરતી શાળા બંધ થશે

રાજકોટ જિલ્લામાં છેવાડાના વિસ્તાર સુધી વિકાસ પહોંચવાને બદલે જાણે ડમી સ્કૂલો ઉભી થઈ હોય તેમ એક બાદ એક આવી શાળાઓની માહિતીઓ સામે આવી રહી છે. ધોરાજીનું પ્રકરણ હજુ તાજુ છે ત્યાં હવે વિછીંયાના મોઢુકા ગામે 3 વર્ષથી બંધ ઓમ સત્યસાંઈ શાળાના 32 વિદ્યાર્થીઓના ફોર્મ બોર્ડની પરીક્ષા માટે ભરાતા હોવાની ફરિયાદ ભાજપ અગ્રણી દ્વારા કરવામાં આવી હતી. જેમાં આ શાળાના વિદ્યાર્થીઓને નજીકની ક્રિષ્ના સ્કૂલમાં જિલ્લા શિક્ષણ અધિકારીની મંજૂરી વિના સ્થળ ફેરફાર કરી ભણાવવામાં આવતા હતા. જેથી આ સ્કૂલને રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીએ નોટિસ ફટકારી છે અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને રિપોર્ટ કરવામાં આવ્યો છે. હવે નવા વર્ષથી આ શાળા બંધ થશે તે નક્કી છે. જોકે હાલ શાળાનો ખુલાસો પૂછવામાં આવ્યો છે.

સ્કૂલના ફોર્મ જોતા સમગ્ર મામલે ભાંડો ફૂટ્યો અગ્રણી ભુપતભાઈ કેરાળિયા રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીની ઓફિસે આવ્યા ત્યારે ઓમ સત્યસાંઈ સ્કૂલના ફોર્મ જોતા સમગ્ર મામલે ભાંડો ફૂટ્યો હતો. તેઓએ તુરંત PMO અને DEO કચેરીમાં લેખિતમાં ફરિયાદ કરી હતી. જેમાં સવાલ કરતા તેઓએ કહ્યું કે, મોઢુકા ગામની ઓમ સત્યસાંઈ માધ્યમિક શાળા ત્રણ વર્ષથી બંધ હોવા છતાં ધો.12માં 32 વિદ્યાર્થીઓના ફોર્મ કઈ રીતે ભરાયા?, તેમજ આટલા સમયથી બંધ શાળાની DEO દ્વારા મગાવવામાં આવતી ફાયર સેફ્ટી સહિતની તમામ માહિતી કઈ રીતે અને ક્યાંથી આપતા તે તપાસ કરવામાં આવે તો અનેક સત્ય હકીકતો બહાર આવે તેમ છે. જેથી વિદ્યાર્થીઓના હિત માટે તાત્કાલિક ધોરણે પગલાં લેવા PMO, DEO અને CMOમાં રજૂઆત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *