શહેરમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે રહેતો અને મૂળ બગસરાના યુવકને મંગેતરના પૈસાની ઉઘરાણીના પ્રશ્ને ભૂતખાના પાસેથી કારમાં બેસાડી સુરતના શખ્સ સહિતે થોરાળામાં લઇ જઇ મારકૂટ કરી તું આમાં કેમ પડ્યો છો તમે હવે ફ્રોડ શરૂ કર્યું છે કહી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી નાસી જતાં ભક્તિનગર પોલીસે એટ્રોસિટી સહિતનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નવા 80 ફૂટ રોડ પર ભાડેથી મકાનમાં રહેતા અજયભાઇ કેસુભાઇ દાફડાએ તેની સાથે હોસ્પિટલમાં કામ કરતી યુવતી સાથે સગાઇ કરી હતી. જે મંગેતરને સુરતના ધવલ અશોકભાઇ ગોંડલિયા પાસે પૈસા લેવાના હોય જેથી તેને મંગેતરે વાત કરતાં તેને ધવલને ફોન કરી ઉઘરાણી કરી હતી. જેથી ધવલ રાજકોટ આવ્યો હોવાનું અને ભૂતખાના ચોક પાસે પૈસાનો હિસાબ કરવા બોલાવ્યો હતો. જેથી તે તેની મંગેતરને લઇને ગયો હતો અને ત્યાં ધવલ આવતા તેની કારમાં બેસી ગયો હતો તેની કારમાં ધવલ સાથે અન્ય બે શખ્સ પણ બેઠા હતા. ધવલે કાર ચલાવી ભક્તિનગર સોસાયટીના બગીચા પાસે લઇ જઇ કારમાં મારકૂટ કરી હતી અને તું આ વહીવટમાં ક્યાં પડ્યો કહ્યું હતું અને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો. બાદમાં કાર થોરાળા વિસ્તારમાં લઇ ગયા હતા ત્યાં વધુ એક શખ્સ આવ્યો હતો અને તું આ ફ્રોડ કરવાનું મૂકી દેજે કહી ધમકી આપી નાસી જતાં તેને ફરિયાદ કરતાં ભક્તિનગર પોલીસે એટ્રોસિટી સહિતનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.