પંચાંગ મુજબ કાલે આસો વદ આઠમ તા.14 ઓક્ટોબરને મંગળવારના દિવસે પુષ્ય નક્ષત્ર હોવાથી ચોપડા ખરીદી માટે શુભ દિન છે. હજારો વર્ષથી ચોપડા લખવાની પ્રથા ચાલી આવી છે. જેમાં એક મુખ્ય ચોપડો જેને રોજમેળ કહેતા, બીજો ચોપડો જેને ખાતાવહી કહેતા અને સાથે એક ડાયરી પણ રાખવામાં આવે છે.
રોજમેળમાં કાગળની આઠ ઘળ પાડવામાં આવતી જેમાં એક બાજુ ચાર ઘળ જમાની અને ચાર ઘળ ઉધારની. વર્ષની શરૂઆતમાં શુભ મુહૂર્ત દરમિયાન મીટી પુરવામાં આવે ત્યાર બાદ ત્રણ મીંડા કરે. જેને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ માનવામાં આવે છે અને તેની સાક્ષીએ નામું(એકાઉન્ટ) લખવામાં આવે છે.
દિવાળીના દિવસે લક્ષ્મીપૂજન, શારદાપૂજન અને મહાકાલી માતાનું પૂજન કરવામાં આવે છે. તેથી પહેલું પેજ પૂજાનું ગણવામાં આવે છે. તેમાં જે મુહૂર્તમાં પૂજન થાય તે લખવામાં આવે છે.
ત્રણેય માતાજીનું પૂજન કરવામાં આવે તેને ચોપડાપૂજન કહેવામાં આવે છે. જ્યારે સોની વેપારીઓ દિવાળીના દિવસે સોના તથા ચાંદીના ભાવ પણ પહેલા પેજ પર લખતા હોય છે. જેથી કરીને ગમે ત્યારે જુની યાદીમાં ભાવ મળી રહે. ઘણા વેપારીઓ ચોપડાના પહેલા પેઇઝમાં હાલના રાષ્ટ્રપતિ તથા વડાપ્રધાનનું નામ પણ લખતા હોય છે.