મંગળવારે એકમ તિથિનો ક્ષય હોવાથી વ્રતની તથા કોજાગરી પૂનમ સોમવારે ગણાશે

પંચાંગ પ્રમાણે આસો સુદ ચૌદસને સોમવાર તા.6 ઓક્ટોબરના દિવસે શરદપૂર્ણિમા છે. જે સોમવારે બપોરે 12:24 વાગ્યાથી પૂનમતિથિ શરૂ થાય છે. મંગળવારે સવારે 9:16 સુધી જ પૂનમ તિથિ છે. ખાસ કરીને શરદ પૂનમમા રાત્રિના ચંદ્રનુ મહત્વ હોય છે. આથી સોમવારે આખી રાત પૂનમ તિથિ છે જે મંગળવારે નથી અને શરદ પૂનમમાં રાત્રીનું મહત્વ વધારે હોય છે. એ ઉપરાંત મંગળવારે એકમ તિથિનો ક્ષય છે. આથી નિયમ પ્રમાણે વ્રતની પૂનમ કોજાગરી પૂનમ શરદપૂર્ણિમા સોમવારે ગણાશે.

આ અંગે શાસ્ત્રી રાજદીપભાઇ જોશીએ જણાવ્યું હતું કે, સોમવાર ચંદ્ર ગ્રહનો વાર હોવાથી આ વર્ષે સોમવારે શરદ પૂનમ ઉત્તમ ગણાશે. તે ઉપરાંત જે લોકો પોતાના કુળદેવતા, કુળદેવી માતાજી અથવા જે કોઈ દેવી દેવતાના પૂનમના દર્શને જતા હોય તેઓ સોમવારના બપોરે 12:24 પછી પૂનમના દર્શન કરવા વધારે યોગ્ય ગણાશે અથવા તો મંગળવારે સવારના 9:16 વાગ્યા પહેલા પૂનમના દર્શન કરવા વધારે યોગ્ય ગણાશે. શરદપૂર્ણિમાની રાત્રે ચંદ્રમાં પોતાનું અમૃત તત્વ પૃથ્વી ઉપર વરસાવશે. શરદ પૂનમના દિવસે ચંદ્ર સોળેકળાએ ખીલશે. એક વર્ષમાં બાર પૂનમ આવે છે. તેમ શરદ પૂનમનું મહત્વ વધારે છે. શરદ પૂનમને મોટી પૂનમ કહેવામાં આવે છે.

શરદ પૂનમના દિવસે ચંદ્રમાં 16 કળાએ ખીલી ઉઠે છે અને પોતાનું સંપૂર્ણ તેજ પૃથ્વી ઉપર પાડે છે અને ચંદ્રમાં રહેલું અમૃત તત્વ શરદ પૂનમની રાત્રે પ્રકાશ દ્વારા પૃથ્વી પર પડે છે. તેનાથી શરદ પૂનમને કોજાગરી પૂનમ પણ કહેવામાં આવે છે. શરદ પૂનમની રાત્રિના 8:21થી લક્ષ્મીપૂજન કરવું, શ્રીયંત્રનું પૂજન કરવું શ્રેષ્ઠ છે. નિર્ધનતાનો નાશ થાય છે. સાંજના સમયે પોતાના ઘરે લક્ષ્મીજીના સિક્કા અથવા શ્રીયંત્રને પંચામૃતથી પૂજન કરવું. સાકરવાળા દૂધનો તેના પર શ્રીસુક્ત બોલતા બોલતા અથવા ઓમ મહાલક્ષ્મી નમઃ બોલતા બોલતા અભિષેક કરવો તેનાથી સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. શરદ પૂનમની રાત્રે લક્ષ્મીજી ઘરે ઘરે જાય છે અને તપાસ કરે છે કોણ જાગી રહ્યું છે મારો કયો ભક્ત જાગે છે. આથી શરદ પૂનમનું એક નામ કોજાગરી પૂનમ પણ કહેવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *