વર્ષ 2003થી ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શાળા પ્રવેશપાત્ર બાળકોનું નામાંકન વધારવા માટે શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાઈ હતી. જે પરંપરા હજુ યથાવત્ છે. સરકારી શાળામાં વધુને વધુ વિદ્યાર્થીઓ એડમિશન લે તેના માટે દર વર્ષે શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે. ત્યારે આ વર્ષે આગામી તારીખ 27થી 29 જૂન દરમિયાન સરકારી શાળાઓમાં પ્રવેશોત્સવ યોજવા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
શહેરી વિસ્તારની સરકારી શાળાઓને આગામી 27થી 29 જૂન દરમિયાન પ્રવેશોત્સવ યોજવા તૈયારી કરવા સૂચના પણ આપી દેવામાં આવી છે. 27થી 29 જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાશે જેમાં રાજ્યના મુખ્યમંત્રી, મંત્રીમંડળના મંત્રીઓ, અધિકારીઓ અને અન્ય ક્ષેત્રના મહાનુભાવો ગામે-ગામ જઇને પ્રવેશપાત્ર બાળકોને વાજતે-ગાજતે શાળા પ્રવેશ કરાવશે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે દાયકાથી નવા શૈક્ષણિક વર્ષમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો ત્રિદિવસીય કાર્યક્રમ યોજવામાં આવે છે. એકપણ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત રહે નહીં તે માટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવને શરૂ કરવામાં આવ્યું હતું.
શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમથી શિક્ષણનો વ્યાપ વધ્યો હોવાનું શિક્ષણ જગતમાં ચર્ચા ચાલી રહી છે. ત્યારે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ બે દાયકાથી વધુ સમયથી ચાલે છે. નવા શૈક્ષણિક વર્ષ-2024-25માં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે નવી શિક્ષણ નીતિની અમલવારી ગત વર્ષથી કરવામાં આવતા છ વર્ષ પૂર્ણ થયેલા વિદ્યાર્થીઓને ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જેને પરિણામે 6 વર્ષથી નાના અને 5 વર્ષ પૂર્ણ કરેલા બાળકોનું શૈક્ષણિક વર્ષ બગડે નહીં તે માટે પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા શરૂ કરવાનો નિર્ણય કર્યો છ.