રાજકોટ જિલ્લામાં ભારે વરસાદના પ્રથમ રાઉન્ડમાં અનેક મુખ્ય માર્ગો ધોવાઇ ગયા હતા અને ઠેર ઠેર મસમોટાં ગાબડાં, ભૂવા પડી ગયા હતા તેમજ ડામર ધોવાઇ ગયા હતા. માટી કામનું નુકસાન થયું હતું. જેના પગલે રાજકોટ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ(રૂરલ) કચેરીએ સરવે કરી કલેક્ટરને રિપોર્ટ કર્યા બાદ રાજ્ય સરકાર પાસેથી ધોવાયેલા માર્ગોને ફરીથી રિપેર કરવા રૂ.12 કરોડની ગ્રાન્ટ મગાયાનું સૂત્રોએ જણાવ્યું છે. માર્ગ અને મકાન વિભાગના રાજકોટ રૂરલના સૂત્રોએ જણાવ્યા અનુસાર જિલ્લામાં તહેવારો દરમિયાન આવેલા ભારે વરસાદ બાદ થયેલા ધોવાણ અંગે 3 ડિવિઝન કચેરી દ્વારા સરવે હાથ ધરવામાં આવ્યો હતો.
ભારે વરસાદને પગલે જિલ્લાના લગભગ 11થી વધુ માર્ગો બંધ કરાયા હતા તેમજ અનેક કોઝવે પરથી પણ અવરજવર બંધ કરી હતી. ભારે વરસાદને કારણે 580 કિ.મી.ના જુદા-જુદા 35 જેટલા માર્ગો ધોવાઇ ગયા હતા અને તેમાં ઠેર ઠેર ગાબડાં અને ભૂવા પડી ગયા હતા. તેમજ અનેક સ્થળો પર ડામર ઊખડી ગયો હતો. સંખ્યાબંધ સ્થળો પર માટીકામ પણ ધોવાઇ ગયું હતું. આ તમામ નુકસાન અંગેનો સરવે કરતા જિલ્લામાં રસ્તાઓને અંદાજે રૂ.12 કરોડનું નુકસાન થયાનો રિપોર્ટ આવતા તે અંગે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીને રિપોર્ટ કરાયો હતો.