ભારત-US સંયુક્તપણે જેટ, લશ્કરી વાહનો બનાવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઐતિહાસિક અમેરિકા યાત્રાને લઇને તૈયારીઓ અને એગ્રીમેન્ટ ફ્રેમવર્ક પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. બંને દેશો વચ્ચે સંરક્ષણ સહકારને નવી ઊંચાઇ પર લઇ જવા માટે વોશિંગ્ટન ડીસીમાં 21મી જૂનના દિવસે પ્રથમ ‘ઇન્ડસ એક્સ’ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

બંને દેશો પોતાની સંયુક્ત જરૂરિયાત માટે સંરક્ષણ ટેક્નોલોજીના ક્ષેત્રમાં સાથે મળીને કામ કરે તે હેતુ સાથે આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સહકાર હેઠળ ડ્રોન, જેટ એન્જિન, તોપ, લશ્કરી વાહનો અને અન્ય સંરક્ષણ સાધનો સાથે મ‌ળીને બનાવવાની યોજના છે અને આ જ મિત્રતાના નવા દોરની સૌથી ખાસ બાબત છે. સૂત્રોએ કહ્યું છે કે અમેરિકાએ સંરક્ષણ ટેક્નોલોજી ટ્રાન્સફરની કાયદાકીય અડચણોથી બચવા માટે વચગાળાનો રસ્તો શોધી કાઢીને નવી પહેલ કરી છે.

આ ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેક્નોલોજી (આઇસીઇટી) પર યુએસ-ઇન્ડિયા પહેલને એક અલગ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવશે. આ ડિફેન્સ ઇનોવેશન બ્રિજ પ્રોગ્રામ હેઠળ બંને દેશોની સામે રહેલા સંયુક્ત પડકારો અંગે પણ કામ કરશે. બંને દેશોનાં સ્ટાર્ટઅપ એક સાથે કામ કરી શકે તે માટે જોઇન્ટ વર્કિંગ ગ્રૂપ બનશે. ઇન્ડો-યુએસ જોઇન્ટ ઇનોવેશન ફંડ પીપીપી મોડલથી બંને દેશોનાં ડિફેન્સ સ્ટાર્ટઅપને પણ પ્રોત્સાહન મળશે. સાથે જ ડિફેન્સ ઇનોવેશન માટે બંને દેશોની મુખ્ય યુનિવર્સિટી વચ્ચે સમજૂતી થશે. જે સંયુક્ત જરૂરિયાતો પર કામ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *