ટી-20 વર્લ્ડ કપની 10મી એડિશન 7 ફેબ્રુઆરીથી શરૂ થશે. પાકિસ્તાને ભારત સામે ગ્રુપ મેચ રમવાનો ઇનકાર કરી દીધો છે. આની પાછળ રાજકીય કારણો હોઈ શકે છે, પરંતુ એક કારણ એ પણ હોઈ શકે છે કે ટીમ ફરી એકવાર વર્લ્ડ ચેમ્પિયન ભારત સામે હારવા માગતી ન હોય.
ટીમ ઈન્ડિયા ટી-20ની સૌથી મજબૂત ટીમોમાં સામેલ છે અને પાકિસ્તાનને વર્લ્ડ કપમાં 15 વખત હરાવી પણ ચૂકી છે. ભારતે ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝની જેમ 2-2 ટાઇટલ જીત્યા છે, એટલું જ નહીં ટીમના નામે ઇતિહાસમાં સૌથી વધુ 46 વખત 200થી વધુનો સ્કોર બનાવવાનો રેકોર્ડ પણ છે.
ટી-20 વર્લ્ડ કપની શરૂઆત 2007માં થઈ હતી. 2010થી આ ટુર્નામેન્ટ લગભગ દર 2 વર્ષે યોજાતી આવી છે. અત્યાર સુધી 9 વખત રમાયેલા સૌથી નાના ફોર્મેટના વર્લ્ડ કપને 3 ટીમોએ 2-2 વાર જીત્યો છે. જેમાં વેસ્ટ ઇન્ડીઝ ઉપરાંત ઇંગ્લેન્ડ અને ભારત પણ સામેલ છે. ટીમ ઈન્ડિયા ડિફેન્ડિંગ ચેમ્પિયન પણ છે, ટીમે 2024માં સાઉથ આફ્રિકાને ફાઈનલમાં હરાવીને પોતાનું બીજું ટાઇટલ જીત્યું હતું.
ટાઇટલ જીતનારી 6 ટીમોમાં વેસ્ટ ઇન્ડીઝ એકમાત્ર એવી ટીમ છે જેણે એક પણ ફાઇનલ ગુમાવી નથી. ભારત અને ઇંગ્લેન્ડ 1-1 વાર રનર-અપ રહી ચૂક્યા છે, જ્યારે પાકિસ્તાન અને શ્રીલંકાની ટીમો 2-2 વાર ફાઇનલ હારી ચૂકી છે. આ સ્થિતિમાં, આ પેરામીટરમાં વેસ્ટ ઇન્ડીઝ, ઇંગ્લેન્ડ અને ભારત ત્રણેય સંયુક્ત રીતે નંબર-1 પર છે. જ્યારે પાકિસ્તાન અને શ્રીલંકા નંબર-2 પર છે.