ભારતમાં રિફાઈનિંગની શરતે પાક.ને રશિયન ક્રૂડ મળ્યું

કરાચીમાં રવિવારે રશિયન ક્રૂડનો જથ્થો ઉતર્યો. વડાપ્રધાન શાહબાઝ શરીફે ગર્વ સાથે પાકિસ્તાની પ્રજાને કહ્યું કે રશિયા સાથે એક લાખ ટન ક્રૂડની ડીલ થઈ છે. તેમાંથી 45 હજાર ટનનો પહેલો જથ્થો અમને મળી ગયો છે. જોકે શરીફે એ ના જણાવ્યું કે આ ક્રૂડ પાકિસ્તાનને કઈ શરતોએ મળ્યું છે? ક્યાં રિફાઈન થયું છે? પાકિસ્તાન કેવી રીતે પહોંચ્યું?

તબક્કાવાર તપાસ કરી ત્યારે ખબર પડી કે રશિયાએ 20% ઓછી કિંમતે ક્રૂડ એ શરતે આપ્યું છે કે, રિફાઈનિંગ ભારતમાં જ કરાવવું પડશે અને ચુકવણી ચાઈનીઝ કરન્સી યુઆનમાં કરવાની રહેશે. લાંબા સમયથી સસ્તું ક્રૂડ મેળવવાનો પ્રયાસ કરતી પાકિસ્તાન સરકારે બંને શરત માની લીધી પરંતુ આ વાત જાહેર ના કરાઈ. એટલે ભારતમાં ગુજરાતસ્થિત વાડીનાર રિફાઈનરીમાં ક્રૂડ ઓઈલ રિફાઈન્ડ કર્યા પછી તે યુએઈના માર્ગે કરાચી મોકલાયું. ત્યાં પહોંચતા જ પાકિસ્તાન સરકારે ઉપરોક્ત જાહેરાત કરી.

કરાચી પહોંચનારું રશિયન ક્રૂડ 8-9 મેની રાતે રશિયાના પ્રિમોરસ્ક (બાલ્ટિક સમુદ્ર)માં કેરોલિન બેન્ગાઝી ક્રૂડ ઓઈલ ટેન્કરમાં લોડ કરાયું. તેનો કાર્ગો આઈએમઓ નં. 9224436 હતો. આ શિપમેન્ટ ગુજરાતના વાડીનાર બંદરે પહોંચ્યું. ત્યાંથી 6 જૂને તે ફરી કાર્ગો આઈએમઓ નં. 9259886 હેઠળ કરાચી માટે રવાના થયું અને 11 જૂને ત્યાં પહોંચ્યું. રશિયન ક્રૂડનો બીજો જથ્થો પણ રશિયાથી રવાના થઈ ચૂક્યો છે. તેનો આઈએમઓ નં. 9310525 છે. આ જથ્થો સીધો પાકિસ્તાન નહીં પહોંચે. તેમાં 55 હજાર ટન ક્રૂડ લોડ કરાયેલું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *