અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ શનિવારે કહ્યું હતું કે અમેરિકા પાકિસ્તાન સાથેના સંબંધોને મજબૂત બનાવવા માગે છે, પરંતુ ભારતના ભોગે નહીં.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રુબિયોએ કહ્યું કે અમેરિકા અને પાકિસ્તાન પહેલાથી જ આતંકવાદ સામે સાથે મળીને કામ કરી રહ્યા છે, પરંતુ આનાથી ભારત સાથેની તેની સારી મિત્રતાને કોઈ નુકસાન થશે નહીં.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ભારતે અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેની નિકટતા અંગે ચિંતા વ્યક્ત કરી છે, ત્યારે રુબિયોએ કહ્યું, ‘ભારતીય રાજદ્વારી સમજદારીભર્યું છે. તેઓ સમજે છે કે અમારે ઘણા દેશો સાથે સંબંધો જાળવવા પડશે. તેમના કેટલાક દેશો સાથે પણ સંબંધો છે. આ સમજદાર વિદેશનીતિનો એક ભાગ છે.’
પાકિસ્તાન સાથે ફરી રણનીતિક દોસ્તી બનાવવા માગીએ છીએ
એક પત્રકારે અમેરિકાના પાકિસ્તાન સાથેના સંબંધો પર સવાલ ઉઠાવ્યો અને પૂછ્યું કે શું આ મિત્રતા એટલા માટે વધી કારણ કે અમેરિકા અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અટકાવવામાં મદદ કરી હતી.
આના પર રુબિયોએ કહ્યું, ‘ના, મને લાગે છે કે અમે આ પહેલા પાકિસ્તાન સાથે વાત શરૂ કરી દીધી હતી. અમે તેમની સાથે અમારી રણનીતિક દોસ્તી ફરીથી બનાવવા માગીએ છીએ. અમને લાગે છે કે અમે ઘણી બાબતો પર સાથે મળીને કામ કરી શકીએ છીએ.’