મોટીપાનેલી અને ભાયાવદર પંથકમાં મેઘરાજા વિશેષ મહેરબાન રહ્યા હતા અને ત્રણથી સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે ઢાંકમાં પણ દોઢ ઇંચ વરસાદના પગલે ગામમા પાણી પાણી થઇ ગયું હતું.રાજકોટ અને મોરબી જિલ્લાના અન્ય શહેરોમાં હળવા ભારે ઝાપટાં વરસતાં ઠંડક પ્રસરી હતી.
બપોરના એક કલાક દરમિયાન મેઘરાજા મોટી પાનેલી ઉપર મહેરબાન થયા હતા અને સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે આસપાસના માંડાસણ, સાતવડી, બુટાવદર ,બગાઘરામાં સારો એવો વરસાદ પડ્યો હોઇ પાનેલીના ફુલઝર તળાવમાં નવા નીરની આવક થઇ છે.
ભાયાવદરમાં પણ બપોરના સમયે ભારે વરસાદ ખાબકયો હતો અને શહેરમાં દોઢ ઇંચ અને સિમ વિસ્તારમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો તેમજ આ વિસ્તારના ચેક ડેમો અને તળાવો નવા નીરથી અડધો અડધ ભરાઇ ગયા હતા.ઢાંકમાં પણ દોઢ ઇંચ વરસાદના પડી ગયાના અહેવાલ છે.