ભાયાવદરમાં પીવાના પાણી માટે બીજા દિવસે પણ 50 જેટલી મહિલાઓના ટોળાએ ધબધબાટી બોલાવી હતી અને પાલિકાની અણઆવડત છતી કરી હતી જેના પગલે ચૂંટાયેલા શાસકો જવાબ ન દેવા પડે તે માટે છાના પગે રફૂચક્કર થઇ ગયા હતા અને ચીફ ઓફિસરે માંડ કરીને મામલો થાળે પાડ્યો હતો.
ભાયાવદરમાં આઠ મહિનાથી ભાજપની બોડી આ નગરપાલિકામાં ચૂંટાઈને બેઠી છે અને ત્યારથી અંદાજે 70 થી 80 વાર અવારનવાર અલગ અલગ વોર્ડમાં પીવાના પાણીની પળોજણ થઇ રહી છે એક સાંધો ત્યાં તેર તૂટે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
એક સમસ્યા ઉકેલાય નહીં, ત્યાં બીજી હાજર થઇ જવાની પરંપરા જળવાઇ રહી છે. ફરી બીજા દિવસે બાંધકામ સમિતિના ચેરમેન સરજુ માકડીયાના વોર્ડ નંબર 5 માં આવતા વિસ્તાર જેમાં બેરિસ્ટર ચોક, કુંભારવાડા, દરજી શેરી અને ખેતલા શેરી ની મહિલાઓનું ટોળું 4:45 કલાકે નગરપાલિકાએ દોડી ગયું હતું અને પાણી આપવા માટે ધબધબાટી બોલાવી હતી.
એક મહિનાથી પાણી ઓછું અને ડહોળું આવતું હોવાની ફરિયાદ મહિલાઓનું ટોળું સીધું ચીફ ઓફિસરની ચેમ્બરમાં ધસી ગયું હતું અને રજૂઆત કરી હતી કે અમારા વિસ્તારમાં એક માસથી પીવાનું પાણી ઓછું આવે છે અને આજે તો બે દિવસથી પાણી નથી આવ્યું.
તેમજ અમારા વિસ્તારમાં પાલિકાના કર્મચારી જે પાણી છોડવાનું કામ કરતા હોય તેને અમે આ પાણી માટે જાણ કરીએ તો મહિલાઓની સાથે જેમતેમ વર્તન કરે છે. અમારા વિસ્તારમાં ટાઇમટેબલ વગર ગમે ત્યારે પાણી છોડવામાં આવે છે.