રાજકોટ-ગોંડલ સિક્સલેન હાઇવેની કામગીરી શરૂ કરવા નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા આયોજન કરાયું છે અને તેના માટે 35 વર્ષ જૂની પાઇપલાઇન શિફ્ટિંગ કરવામાં આવનાર છે અને આ લાઇન શિફ્ટિંગ થયા બાદ રાજકોટ શહેર માટે અચ્છે દિન આવશે અને રાજકોટને ભાદર ડેમમાંથી દૈનિક 3.50 કરોડની જગ્યાએ 5 કરોડ લિટર પાણી મળતું થઇ જશે તેમ સૂત્રોએ જણાવ્યું છે. જેતપુરના ભાદર ડેમમાંથી પાણી લાવવા માટે 1990ની સાલમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભાદરથી રાજકોટ સુધીની પાણીની 863 એમએમની પાણીની પાઇપલાઇન નાખવામાં આવી હતી. હાલ રાજકોટથી ગોંડલ સુધીનો નેશનલ હાઇવે સિક્સલેન બની રહ્યો છે અને તેના માટે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે હાઇવે પર રહેલી ભાદરની પાણીની પાઇપલાઇન શિફ્ટિંગનો વિકટ પ્રશ્ન મહાનગરપાલિકા સમક્ષ ખડોથયો છે.
રાજ્ય સરકાર દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને ભાદરની પાઇપલાઇન શિફ્ટિંગ માટે રૂ.212 કરોડ ફાળવવામાં આવ્યા છે ત્યારે આ પાણીની પાઇપલાઇન શિફ્ટિંગ કોણ કરશે? તે મુદ્દે પણ મડાગાંઠસર્જાઇ છે.
જો કે, વોટર વર્કસ શાખાના એન્જિનિયર કિશોર દેથરિયાએ જણાવ્યું હતું કે, આગામી 6ઠ્ઠીએ રાજકોટ મનપા અને નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ વચ્ચે બેઠકનું આયોજન કરાયું છે. જેમાં ભાદર ડેમની પાણીની પાઇપલાઇન કોણ શિફ્ટ કરશે તે મુદ્દેનિર્ણય કરાશે.