ભાડાના મકાનમાં મોડલ આંગણવાડીઓ, આ રીતે ભણે છે ગુજરાતનું ભાવિ!

રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18માં આવતા કોઠારીયા વિસ્તારમાં આંગણવાડીઓની સ્થિતિ અત્યંત ગંભીર અને દયનીય હોવાનું સામે આવ્યું છે. કોઠારીયા વિસ્તારમાં 80 હજારની વસ્તી સામે 14 આંગણવાડીઓ આવેલી છે. જેમાંથી 4 આંગણવાડીઓમાં તૂટેલા દરવાજા, 10 x 10ના રૂમમાં 75 બાળકો બેસવા મજબૂર, પાણીનું કૂલર બંધ તેમજ બાથરૂમનાં દરવાજાઓ પણ જર્જરીત જોવા મળ્યા હતા.

આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખના પ્રદેશ મહામંત્રી સુરજ બગડાએ જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 18ની 4 જેટલી આંગણવાડીઓની અમે ઓચિંતી મુલાકાત લીધી હતી. દરમિયાન જે દૃશ્યો સામે આવ્યા તે સરકારી તંત્રની ઘોર બેદરકારી અને ‘વિકાસ’ના પોકળ દાવાઓની ચાડી ખાય છે. કોઠારીયા જેવા મોટા વિસ્તારમાં જ્યાં આશરે 80 હજાર જેટલી વસ્તી વસે છે, ત્યાં બાળકોના પાયાના શિક્ષણ-પોષણ માટે માત્ર 14 આંગણવાડીઓ કાર્યરત છે. જે વસ્તીના પ્રમાણમાં ખૂબ જ ઓછી છે.

મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે, નારાયણનગર આંગણવાડીની હાલત તો એટલી હદે ખરાબ છે કે, તેનો મુખ્ય પ્રવેશદ્વાર જ રૂમાલથી બાંધેલો હતો. અહીં પીવાના પાણીના કૂલર તો મુકવામાં આવ્યા પરંતુ તેમાં પાણીની કોઈ લાઈન જ આપવામાં આવી નથી. જે માત્ર શોભાના ગાંઠિયા સામાન છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, અહીં નોંધાયેલા 80 બાળકોની સામે માત્ર 40 બાળકોને પૂરતું જ ભોજન આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *