વિધાનસભાની ગત ચૂંટણી બાદ શહેરના રાજકારણમાં મોટો બદલાવ આવ્યો હતો અને પાર્ટીના જૂના જોગીઓને કોરાણે મૂકી દેવામાં આવ્યા હતા, સ્થાનિક આગેવાનો દ્વારા કરાતી અવગણના અને બદલાયેલી રાજકીય સ્થિતિને કારણે આ મુદ્દો ભાજપ હાઇકમાન્ડ સુધી પહોંચ્યો હતો અને પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીને સક્રિય કરવા સ્થાનિક આગેવાનોને આદેશ કરવામાં આવ્યો હતો.
રાજ્યના પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીની ગત વિધાનસભાની ચૂંટણી બાદ શહેર સંગઠન દ્વારા ઉપેક્ષા કરવામાં આવતી હતી, તાજેતરમાં દિલ્હીનું તેડું રૈયાણીને આવ્યું હતું અને ફરીથી પાર્ટી માટે સક્રિય થઇ જવાની સૂચના આપી હતી, ત્યારબાદ રૈયાણી અને પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ ગાંધીનગરમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને મળ્યા હતા અને તેમણે પણ હાઇકમાન્ડના નિર્દેશ મુજબ રાજકારણમાં સક્રિય થઇ જવાનું કહ્યું હતું.
એટલું જ નહીં શહેર ભાજપના પ્રમુખ માધવ દવેને પાટીલે ફોન કરી શહેરના તમામ કાર્યક્રમો અંગે રૈયાણીને જાણ કરવા સૂચના પણ આપી હતી.
હાઇકમાન્ડની સૂચના બાદ શહેર ભાજપ પ્રમુખે ગણેશ સ્થાપનાના કાર્યક્રમ અંગે રૈયાણીને જાણ કરતાં બુધવારે ભાજપ આયોજિત ગણેશ સ્થાપન વખતે રૈયાણી હાજર રહ્યા હતા.