રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કોણ બનશે તેના પર સૌની મીટ મંડાઇ છે, બુધવાર મોડીસાંજ સુધીમાં નામની જાહેરાત થવાની જોરશોરથી ચર્ચા હતી પરંતુ મકરસંક્રાંત બાદ પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવશે, આમ સંક્રાંત સુધી તમામ દાવેદારોની આશાની પતંગ ઉડતી રહેશે.
રાજકોટ શહેર ભાજપના પ્રમુખ બનવા માટે 29 આગેવાનોએ દાવેદારી કરી છે જેમાં વર્તમાન પ્રમુખ મુકેશ દોશી સહિતના આગેવાનો સામેલ છે, શનિવારે દાવેદારોએ ચૂંટણી નિરીક્ષક માયાબેન કોડનાણી સમક્ષ ફોર્મ રજૂ કરીને દાવેદારી કરી હતી, રવિવારે સંકલન બાદ પ્રદેશના આગેવાનો મંગળવારે દિલ્હી પહોંચ્યા હતા અને રાષ્ટ્રિય નેતાગીરી સાથે ચર્ચા કરવામાં આવી હતી, મંગળવાર મોડીરાત અથવા બુધવાર સાંજ સુધીમાં પ્રમુખના નામની જાહેરાત થઇ જશે તેવું ભાજપના વર્તુળમાં ચર્ચાતું હતું, પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ મકરસંક્રાંત બાદ શહેર ભાજપના પ્રમુખના નામની જાહેરાત થશે.
શહેર ભાજપ પ્રમુખપદ કોને મળશે તે ચર્ચા સતત થઇ રહી છે, વર્તમાન પ્રમુખ મુકેશ દોશી રિપીટ થશે, તો કોઇના મતે દેવાંગ માંકડ અને કશ્યપ શુક્લ હોટ ફેવરિટ છે, રાજકોટમાં પ્રથમ વખત મહિલાને પ્રમુખ બનાવવામાં આવશે તેવી પણ ચર્ચા થઇ રહી છે અને તેમાં પૂર્વ મેયર બિનાબેન આચાર્ય અને રક્ષાબેન બોળિયાના નામ પણ ચર્ચાઇ રહ્યા છે.