ભાજપ કાર્યાલયનો વેરો છેલ્લા બે વર્ષથી નહીં વસૂલાયાનો કોંગ્રેસનો આરોપ

રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ રાજકોટ મહાનગરપાલિકા કમિશનર સમક્ષ લેખિતમાં રજૂઆત કરીને શહેર ભાજપ કાર્યાલય ‘કમલમ’ના બાકી વેરા મામલે ગંભીર આક્ષેપો કર્યા છે. તેણે દાવો કર્યો કે, ભાજપ કાર્યાલયનો છેલ્લા 2 વર્ષથી વેરો વસૂલવામાં આવ્યો નથી અને તેની આકારણી પણ કરવામાં આવી નથી, જ્યારે સામાન્ય જનતા પર 18% વ્યાજ સાથે દંડો ઉગામવામાં આવી રહ્યો છે. જો કમલમ સામે કાર્યવાહી નહીં થાય તો કમિશનરની ચેમ્બરમાં ઢોલ વગાડવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી. આ સાથે મનપામાં એક્સ આર્મીમેનની ભરતીમાં 11 માસના કોન્ટ્રાક્ટને કારણે ઉમેદવારો હાજર નહીં રહ્યા હોવા પર સરકારની નીતિઓની ટીકા કરી હતી.

કાર્યાલયની 2 વર્ષથી આકારણી કરવામાં આવી નથી શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, દિવાળીના તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે રાજકોટ મ્યુ. કમિશનર દ્વારા તહેવારો બાદ બાકીવેરાની આકરી વસૂલાત માટે જાહેરાતો કરવામાં આવી છે, જેમાં ન ભરનારાઓ પર સીલ મારવા સુધીની ચીમકી અપાઈ છે. જેના વિરોધમાં કોંગ્રેસ દ્વારા કમિશનરને આપવામાં આવેલી લેખિત રજૂઆતમાં મુદ્દો ઉઠાવવામાં આવ્યો કે, 150 ફૂટ રિંગરોડ પર આવેલા વોર્ડ નંબર-2માં ભાજપના નવા કાર્યાલય કમલમનું આશરે 6000 સ્ક્વેર ફૂટ કરતાં પણ વધારે બાંધકામ છે. કાર્યાલયની 2 વર્ષથી આકારણી કરવામાં આવી નથી અને વેરો પણ વસૂલવામાં આવ્યો નથી.

આકારણી થઈ ગઈ હોય તો તમામ વિગતો રજૂ કરે વધુમાં તેમણે જણાવ્યું કે, જો ખરેખર વેરો વસૂલાયો ન હોય અને આકારણી ન થઈ હોય તો તાત્કાલિક દંડ સાથે આકારણી કરીને સામાન્ય જનતા પાસેથી જે 18% વ્યાજ વસૂલવામાં આવે છે, તે જ દરે વ્યાજ સાથે આ વેરો વસૂલવામાં આવે તે જરૂરી છે. જો વેરો ભરાઈ ગયો હોય અને આકારણી થઈ ગઈ હોય તો મિલકત નંબર સહિતની તમામ વિગતો મીડિયા સમક્ષ અને રાજકોટની જનતા સમક્ષ જાહેર કરવાની કોંગ્રેસની માંગ છે અને વેરો ન ભરાયો હોય તો જે અધિકારીઓએ આકારણી નથી કરી તેમના પર કમિશનર દ્વારા પગલાં લેવામાં આવે તે જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *