દિલ્હીમાં AI સમિટમાં થયેલા હોબાળા માટે ભાજપે ફરી એકવાર રાહુલ ગાંધીને જવાબદાર ઠેરવ્યા. ભાજપે રાહુલ ગાંધીની સરખામણી 2020ના રમખાણોના આરોપી ઉમર ખાલિદ સાથે કરતા દિલ્હી ભાજપ કાર્યાલયની બહાર એક પોસ્ટર લગાવ્યું. જેમાં લખ્યું હતું કે અરાજકતાની રીત એક જ છે, બસ દેશ વિરોધી ચહેરા બદલાતા રહે છે.
આ પોસ્ટરમાં એક તરફ ઉમર ખાલિદ છે જેમાં તેને CAA વિરુદ્ધ પ્રદર્શન કરતા બતાવવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ રાહુલ ગાંધી છે અને તેમની આગળ શર્ટલેસ કાર્યકર્તાઓની તસવીરો છે જે AI સમિટનો વિરોધ કરી રહ્યા છે. આ પોસ્ટરો ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા આરપી સિંહે લગાવ્યા છે.
બીજી તરફ, AI ઇમ્પેક્ટ સમિટમાં થયેલા હોબાળાના કેસમાં ઇન્ડિયન યુથ કોંગ્રેસ (IYC)ના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદય ભાનુ છિબને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે 4 દિવસની પોલીસ રિમાન્ડ પર મોકલ્યા છે. તેમને મંગળવારે સવારે તિલક માર્ગ પોલીસ સ્ટેશનની પોલીસે ધરપકડ કરી હતી. આ મામલે અત્યાર સુધીમાં 8 ધરપકડ થઈ ચૂકી છે.
20 ફેબ્રુઆરીના રોજ દિલ્હી સ્થિત ભારત મંડપમમાં ઇન્ડિયન યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ AI સમિટ 2026માં ભારત-અમેરિકા ટ્રેડ ડીલ વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનના ઘણા વીડિયો પણ સામે આવ્યા હતા.
આમાં 10થી વધુ કાર્યકર્તાઓ હાથમાં સફેદ રંગની ટી-શર્ટ લઈને ઊભા હતા. ટી-શર્ટ પર PM મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ફોટો હતો. તેના પર લખ્યું હતું- PM ઇઝ કોમ્પ્રોમાઇઝ્ડ.