રાજકોટ શહેર ભાજપમાં પનોતી બેસી ગઇ છે, પાર્ટી ખોટા માર્ગે છે, આ વેદના રાજકોટના પૂર્વ મેયર અને ભાજપના સિનિયર આગેવાન જનક કોટકે વ્યક્ત કરી હતી, તો શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ કોટકની નારાજગી દૂર કરવા ગુરુવારે રૂબરૂ મળવા જશે તેમ કહી નારાજગી પર મલમ લગાડવાની કોશિશ કરી છે.
રાજકોટ શહેર ભાજપ દ્વારા દર વર્ષે આ મીસાવાસીઓનું અદકેરું સન્માન થાય છે. શહેર ભાજપના ટોચના આગેવાનો મીસાવાસીઓનું સન્માન કરતા હતા, પરંતુ આ વખતે ટોચના આગેવાનોએ મીસાવાસીઓના સન્માનમાં દૂરી રાખી હતી અને વોર્ડના આગેવાનોને સન્માન કરવા મીસાવાસીઓના ઘરે મોકલી દઇ દેખાવ પૂરતું સન્માન કરતાં પૂર્વ મેયર જનક કોટકે નારાજગી વ્યક્ત કરી હતી.
પૂર્વ મેયર જનક કોટકે કહ્યું હતું કે, રાજકોટમાં 46 મીસાવાસી હતા જેમાંથી હવે સાતથી આઠ જ બચ્યા છે. પાર્ટીમાં જેની ગણના થાય તેવા માત્ર બે છે જેમાં વજુભાઇ અને જનક કોટક બેનો સમાવેશ થાય છે.
કોટકે કહ્યું હતું કે, મતલબ નિકલ ગયા તો પહેચાનતે ભી નહીં, તેવી હાલત પાર્ટીમાં છે, રાજકોટ શહેર ભાજપમાં હાલમાં ખાઇ પીને નામ લેવાય તેવા લોકો છે અને તેમનો જ દબદબો છે, ઝેરીલા લોકો આગેવાન છે.
કોટકે કહ્યું હતું કે, શહેર ભાજપ સિનિયર આગેવાનોની અવગણના કરી રહ્યું છે તેનું મને દુ:ખ નથી, અમે પાર્ટીમાં જોડાયા ત્યારે એક જ હેતુ હતો જનસંઘ અને ભાજપને આગળ લઇ જવું, ત્યારે હેરાનગતિ અને મોત બેજ હતું. વર્તમાન સમયમાં કારણ વગર પનોતી બેસી ગઇ છે, પાર્ટીના આગેવાનો ખોટા માર્ગે છે. પાર્ટી આજે પણ અમારી જ છે.