ભારતીય જનતા પાર્ટી આજે 2024ની લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે આજે સાંજે છ વાગ્યે પ્રેસ-કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. સૂત્રો અનુસાર, ગુજરાતમાંથી 10થી 12 ઉમેદવારને ટિકિટ મળી શકે છે.
ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની પ્રથમ બેઠક ગુરુવારે મોડીરાત સુધી દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટરમાં ચાલી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ સહિતના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત ભાજપશાસિત રાજ્યોના સીએમ પણ બેઠકમાં ભાગ લેવા આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠક બાદ પાર્ટી લોકસભા ચૂંટણી માટે 100થી 120 સીટ માટે ઉમેદવારો જાહેર કરી શકે છે. બેઠક દરમિયાન નેતાઓએ 2014ની લોકસભા ચૂંટણી અને 2019ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીએ ગુમાવેલી બેઠકો અંગે ચર્ચા કરી હતી.