PM-USHA યોજના હેઠળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને 100 કરોડની ગ્રાન્ટ મંજૂર થઇ છે પરંતુ આ ગ્રાન્ટનો યુનિવર્સિટી ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરશે તેનું આયોજન સરકારને આપવાનું હોય છે. તાજેતરમાં જ પીએમ ઉષા યોજના હેઠળ યુનિવર્સિટીને કમ્પ્યુટર, સ્માર્ટબોર્ડ, લેપટોપ, પ્રોજેક્ટર સહિતના સાધનો લેવા માટેની ગ્રાન્ટ મળવાની છે તેના માટે દરેક ભવનના વડાની મિટિંગ બોલાવી હતી જેમાં કેટલાક તઘલખી અને આયોજનનો અભાવ દર્શાવતા નિર્ણય લેવામાં આવ્યા હતા.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલ 30 જેટલા ભવનોમાંથી ક્યા ભવનમાં ક્યા સાધનોની જરૂરિયાત છે, વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે, આધુનિક સાધનોનો ઉપયોગ કરતા વિદ્યાર્થીઓ કે પ્રોફેસરોને આવડે છે કે કેમ? આ તમામ બાબતોની તપાસ કરવાની તસ્દી શિક્ષણવિદોએ લીધી ન હતી. તમામ ભવનને એકસમાન ધોરણે બે-બે સ્માર્ટબોર્ડ, ચાર-ચાર કમ્પ્યુટર, એક-એક પ્રોજેક્ટર અને લેપટોપ આપી દેવાનો નિર્ણય કર્યો છે. સાયન્સ, આર્ટસ, કોમર્સ એવા દરેક ભવનની જરૂરિયાત જુદી-જુદી છે પરંતુ સાધનો એકસરખા જ આપવાના તઘલખી નિર્ણયથી કચવાટ ફેલાયો છે.