રાજકોટ મધ્યસ્થ જેલમાં રહેલા કેદી હિંમત સામતભાઇ સોલંકી (ઉ.વ.30) આજે સવારે જેલમાં હતો ત્યારે અચાનક બેભાન થઇ ઢળી પડતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયા ફરજ પરના તબીબે તેને જોઇ તપાસી હાર્ટએટેક આવતા મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ બનાવ અંગે જાણ થતા મોતનું ચોક્કસ કારણ જાણવા પ્રદ્યુમનનગર પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં મૃતક હિંમત મુળ કુકાવાવના માયાપર ગામનો વતની હોવાનું હાલ શાપર વેરાવળમાં રહી મજૂરી કામ કરતો હોવાનું સામે આવ્યું છે. તેને પાંચ વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા અને સંતાનમાં એક પુત્રી છે. પત્ની પૂજા હાલમાં રિસામણે હોય અને ભરણપોષણનો કેસ કર્યો હતો, જેના હપ્તા ચડી જતા હિંમત ત્રણ મહિનાથી રાજકોટ જિલ્લા જેલમાં હોવાનુ જાણવા મળ્યુ છે.
સગર્ભા મહિલાના અધૂરા માસે જન્મેલા બાળકનું મોત ગઇકાલે રાત્રે સજ્જનબેન ગોરધનભાઈ ડામોર નામની સગર્ભાને પ્રસુતિની પીડા ઉપડતાં રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અહિ રાત્રીના સમયે અધુરા માસે બાળક (પુત્ર)ને જન્મ આપ્યો હતો જો કે બાળકનું જન્મ સાથે જ મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ હતી. હોસ્પિટલ સ્ટાફ દ્વારા નિયમ મુજબ પોલીસને જાણ કરવામાં આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવા તજવીજ કરી હતી. જો કે પોલીસ કાર્યવાહી માટે પોસ્ટમોર્ટમ રૂમ પહોંચી ત્યારે બાળકનો મૃતદેહ તો હતો પરંતુ તેના માતા-પિતા હાજર મળી આવ્યા ન હતા. હાલ પોલીસે બાળકના માતા પિતાની શોધખોળ શરૂ કરી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં માતા-પિતા બંને બામણબોર નજીક રોડના કામની સાઈટ ચાલુ હોઈ ત્યાં મજુરી કામ કરતાં હોવાની માહિતી પોલીસને મળી છે.