રાજકોટ અમદાવાદ હાઇવે પર આવેલા ક્રિષ્ના વોટરપાર્કના હરિભાઈ પટેલ સહિતનાઓ ઉપર જાનથી મારી નાખવા ધમકી આપ્યા અંગે ફરિયાદ કુવાડવા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. કુવાડવા ગામમાં રહેતાં મૂળ મહારાષ્ટ્રના વતની કુંદનભાઇ રામદાસ ગાયકવાડ (ઉ.વ.30)એ કુવાડવા પોલીસ સ્ટેશનમાં ક્રિષ્ના વોટરપાર્કના માલિક હરિભાઈ ગોવિંદભાઇ કણસાગરા તેમજ નિલેશ માથુર, ગોપી અને છગનભાઇ નામના શખસો વિરુદ્ધ માર મારી ધમકી આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે.
તમારી કંપની બંધ કરી દેજો નહીતર… આ ફરિયાદમાં તેમને જણાવ્યું હતું કે, કંપનીના માલિક જયભાઈ કણસાગરા છે. કંપનીમાં આશરે 50 જેટલા માણસો કામ કરે છે. આ કંપનીમાં તેઓ સૌંદર્ય પ્રસાધનનું ઉત્પાદન કરે છે. ગઇ તા. 28 ફેબ્રુઆરીના રોજ ક્રિષ્ના વોટરપાર્કના રીસેપ્શનના ફોન પરથી હર્બ એલિમેન્ટસ કંપનીના એડમિન વિભાગમાં કામ કરતા રવિભાઈ ભેસદડીયાને ફોન કરી તમારી કંપની બંધ કરી દેજો નહીતર તમારા શેઠ સહિત તમારા તમામ લોકોના સરનામાં વિખાઇ જશે તેવી ધમકીઓ આપી હતી. રવિભાઇએ આ બાબતે શેઠ જયભાઇને જાણ કરતાં કરી હતી. જેથી તેમણે કહ્યું કે, હરિભાઇ મારા મોટા બાપુજી છે અને તે અમારો પરીવાર જ છે તેવી વાત કરી હતી.
ડોક્યુમેન્ટ આપી દેજો નહીં તો હું આવીને તાળું મારી દઈશ ગત તા. 2 માર્ચના રોજ હરિભાઈ કણસાગરા તથા બે અજાણ્યા માણસો આવી તારો શેઠ ક્યાં છે પૂછી કંપનીને તાળા મારી દેવા છે અને તારો શેઠ નથી એટલે તું આજ બચી ગયો તેમ કહીને ત્યાંથી જતા રહ્યા હતા. બાદ ફરી તા. 6 મેના હરિભાઈ, ગોપીભાઇ, કીર્તી એન્જિનિયરિંગ વાળા રમેશભાઈ શેરઠીયા આવ્યા હતા અને હરિભાઈએ કંપનીના ઓફિસ સ્ટાફને ભેગો કરી કંપનીમાં જઈને બધાનો ગેરકાયદેસર વીડિયો ઉતારી કંપનીના જે ડોકયુમેન્ટ હોય તે મને આપી દેજો નહીં તો હું આવીને તાળું મારી દઈશ તેમ કહીને ત્યાંથી જતા રહ્યા હતા.