રાજકોટમાં એચડીએફસી બેંકની ભક્તિનગર બ્રાન્ચમાં નકલી નોટો ઘુસાડી દીધાનું સામે આવ્યું છે. બનાવ અંગે એચડીએફસી બેંકની ભક્તિનગર બ્રાન્ચનાં આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ દેવાંગ ચીમનલાલ મોટાએ ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા અનુસાર ઓગષ્ટ-2024થી લઈ માર્ચ 2025 દરમિયાન અજાણ્યા ગ્રાહકોએ રૂ. 500નાં દરની 230, રૂ. 200નાં દરની 196, રૂ. 100નાં દરની 130, રૂ. 50નાં દરની 30, રૂ. 20નાં દરની 1 અને રૂ. 10નાં દરની 3 નકલી નોટ મળીને કુલ 590 બોગસ ચલણી નોટો ભરણામાં જમા કરાવી દીધી હતી. આરોપીઓએ આ નોટો નકલી હોવાનું જાણતા હોવા છતાં ભરી દઈને ગુનો કર્યો હતો. આ બાબત ધ્યાને આવતા પોતે ફરિયાદ નોંધાવી હોવાનું પણ ફરિયાદમાં તેમણે જણાવ્યું છે. જેના આધારે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અન્ય બવાન રાજકોટનાં આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નીલ એન્જીનીયરીંગ નામના કારખાનામાં કુલ રૂ. 1.74 લાખની ચોરીની ઘટના સામે આવી હતી. બનાવ અંગે આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાતા આ બનાવની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોરીનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી. જેમાં અનિતાબેન બૈજુભાઈ ધરમશીભાઈ નામની મહિલાએ આ ચોરી કર્યાનું ખુલ્યું હતું. ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે આરોપી મહિલાને અલગ-અલગ સાઈઝના ગન મેટલનાં ધાતુના ડાયરિંગ કિ. રૂ. 1.74 લાખના મુદ્દામાલની સાથે ઝડપી પાડી છે. હાલ આરોપીનો કબ્જો આજીડેમ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.