બોલેરોના ડ્રાઈવરે નશાની હાલતમાં રોડ ક્રોસ કરતા યુવાનને અડફેટે લીધો, CCTVમાં ઘટના કેદ

રાજકોટના જસદણના બાયપાસ રોડ પર ગોખલાણા ચોકડી પાસે ગઈકાલે રાત્રે અકસ્માત થયો હતો. જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. રોડ ક્રોસ કરતા અરજણભાઈ બટેટા ભૂંગળા વાળાને બોલેરો પિકઅપ ચાલકે હડફેટે લીધો હતો. જસદણના આટકોટ ખાતે આવેલ શ્રી હરિ નમકીન કંપનીની બોલેરો પીકઅપના ડ્રાઈવરે દારૂ પીધેલી હાલતમાં અકસ્માત સર્જયો હોવાની પ્રાથમિક વિગત મળી છે. જસદણની ગોખલાણા ચોકડીએ બટેટા ભુંગળાની લારી ચલાવનાર અરજણભાઈ રોડ ક્રોસ કરતા હતા ત્યારે બોલેરો પિકઅપના ડ્રાઈવરે અડફેટે લીધા હતા. જેથી તેઓ ફંગોળાઈ ગયા હતા. જોગાનુજોગ અકસ્માત કરનાર બોલેરો ગાડી પાછળ જસદણ પોલીસ સ્ટેશનના મહિલા પી.એસ.આઇ ગોહિલની ગાડી આવી રહી હતી. જેથી મહિલા પીએસઆઇ દ્વારા 108ને ફોન કરી ઘાયલ યુવાનને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જે બાદ દારૂ પીધેલી હાલતમાં અકસ્માત કરનાર પીકઅપ ડ્રાઇવરને ગાડી સહિત જસદણ પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. જ્યારે અકસ્માતના બનાવમાં અરજણભાઈને ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.

અન્ય બનાવ રાજકોટ શહેર SOG ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, રાજકોટ – ગોંડલ બાયપાસ નેશનલ હાઇ-વે રોડ ઉપર ગુરૂવરદ એપાર્ટમેન્ટની બાજુમા જોગમાયા સર્વિસ સ્ટેશન પાછળ એક શખ્સ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ઉભો છે. મળેલી ચોક્કસ બાતમીના આધારે ટીમે દરોડો પાડી મુકેશ સુગનામલ વસનાણી (ઉ.વ.45, રહે,રિધ્ધી સિધ્ધી સોસા. શેરી નં.04 દુધસાગર રોડ રાજકોટ હાલ રહે,ગોપાલ હોટેલ ગૌરીદળ-મોરબી રોડ રાજકોટ)ને પકડી પાડવામાં આવ્યો હતો અને તેની પાસેથી રૂ. 86,300ની કિંમતનો 8.63 ગ્રામનો માદક પદાર્થ મેફેડ્રોનનો જથ્થો કબ્જે કર્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, પકડાયેલ શખ્સ એમડી ડ્રગ્સનો જથ્થો જંગલેશ્વરના એક પેડલર પાસેથી લાવી અને છૂટકમાં વેંચાણ કરતો હોવાની પ્રાથમિક કબૂલાત આપી હતી. એસઓજીની ટીમે થોરાળા પોલીસ મથકમાં ગુનો નોંધી આરોપીને સ્થાનિક પોલીસને હવાલે કરતાં પીએસઆઈ અને ટીમે પેડલરની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *