તાપી જિલ્લાના ઉચ્છલ-નિઝર હાઈવે પર હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. ધોરણ 12ની પરીક્ષા આપીને પરત ફરી રહેલા વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો હતો. ઉચ્છલ નિઝર હાઇવે પર નિઝર સીમમાં બે બાઇક સામસામે અથડાતાં ત્રણ વિદ્યાર્થીઓ સહિત કુલ ચાર લોકોના મોત થયાં છે. ત્રણના ઘટના સ્થળે જ્યારે એકનું હોસ્પિટલમાં સારવારમાં મોત થયું છે.
ત્રણ વિદ્યાર્થીઓ તેમજ અન્ય બાઈક ચાલકનું મોત નિઝર ખાતે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપીને પરત ફરી રહેલા ગંગથા ગામના 3 યુવાનોની બાઈક સામેથી આવી રહેલી અન્ય એક બાઈક સાથે અથડાઈ હતી. જેથી અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાઈકમાં સવાર ત્રણ વિદ્યાર્થીઓ તેમજ સામેની બાઈકમાં સવાર યુવકનું મોત થયું છે. આમ આ અકસ્માતમાં ચારના મોત થયા છે. એક સાથે ચારના મોતને પગલે હાઈવે રકત રંજિત થયો હતો.
આ ટક્કર એટલી જોરદાર હતી કે, અકસ્માત બાદ તરત જ બાઈકમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી, જેમાં બાઈક બળીને ખાખ થઈ ગઈ હતી. આ કરુણ ઘટનામાં બંને બાઈક પર સવાર કુલ ચાર આશાસ્પદ યુવકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.