બોર્ડની પરીક્ષા દરમિયાન જ પેપર ચેકિંગ શરૂ કરી દેવાશે, 73 હજાર શિક્ષક ઉત્તરવહી મૂલ્યાંકન કરશે

શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ધોરણ-10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ માટે વ્યૂહાત્મક ‘એક્શન પ્લાન’ તૈયાર કરાયો છે. સામાન્ય રીતે પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ મૂલ્યાંકન પ્રક્રિયાની શરૂઆત થતી હોય છે, પરંતુ આ વર્ષે બોર્ડે પરંપરાગત ચીલાને બદલે ‘પરીક્ષા સાથે જ પરિણામની તૈયારી’નો નવો મંત્ર અપનાવ્યો છે. એક તરફ રાજ્યના લાખો વિદ્યાર્થીઓ પરીક્ષાના પેપર લખતા હશે, તો બીજી તરફ બોર્ડ દ્વારા નિયુક્ત કરાયેલા 73,000 શિક્ષકની વિશાળ ફોજ તે જ સમયે ઉત્તરવહીઓના સચોટ મૂલ્યાંકનની ‘કસોટી’માં જોડાશે. આ વખતે બોર્ડની રણનીતિ સ્પષ્ટ છે, પરીક્ષા ચાલુ હશે ત્યારે જ મૂલ્યાંકન કાર્ય પણ શરૂ કરી દેવું, જેથી રિઝલ્ટમાં રેકોર્ડબ્રેક ઝડપ લાવી શકાય.

26 ફેબ્રુઆરીથી 18 માર્ચે યોજાનારી આ પરીક્ષાના પ્રારંભિક દિવસોમાં જ જે વિષયોની કસોટી પૂર્ણ થશે, તેની ઉત્તરવહીઓ તુરંત જ નિયત કરાયેલા 470થી વધુ કેન્દ્ર પર પહોંચાડવામાં આવશે. આ રીતે પરીક્ષા અને પેપર ચેકિંગની પ્રક્રિયા સમાંતર ચાલશે, જે ગુજરાત શિક્ષણ બોર્ડના ઇતિહાસમાં એક મોટો વહીવટી સુધારો ગણી શકાય. બોર્ડ દ્વારા આ વખતે વહીવટી પ્રક્રિયા એટલી ઝડપી બનાવવામાં આવી છે કે, વિદ્યાર્થીઓની હોલટિકિટ ઇસ્યૂ કરવાની સાથે જ મૂલ્યાંકન કરનારા હજારો શિક્ષકોના ઓર્ડર પણ ઓનલાઇન રવાના કરી દેવાયા છે.

વહેલા પરિણામ પાછળનું આ છે ગણિત શિક્ષણ બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ, વહેલા પરિણામ આપવાથી વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે એડમિશન પ્રક્રિયામાં ખૂબ મોટી રાહત મળશે. આ માત્ર પેપર ચેકિંગ નથી, પણ હજારો શિક્ષકો માટે સમયમર્યાદામાં સચોટ મૂલ્યાંકન કરવાની એક મોટી નૈતિક અને વ્યવસાયિક કસોટી પણ છે. આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર સમય બચાવવાનો નથી, પરંતુ ટેક્નોલોજી અને માનવબળના સુમેળ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવતા બિનજરૂરી વિલંબને શૂન્ય પર લાવી દેવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *