ભાવનગરના બોરતળાવ નજીકના વિસ્તારમાં રહેતી બાળકીઓ અને કિશોરીઓ આજે બપોરના સમયે તળાવ કાંઠે કપડાં ધોવાં અને નાહવા માટે ગઈ હતી. આ સમયે તળાવમાં એક બાળકી ડૂબવા લાગતાં તેને બચાવવા માટે અન્ય બાળકી અને કિશોરીઓ પાણીમાં કૂદી પડી હતી. તમામ ડૂબવા લાગતાં બૂમાબૂમ કરી મૂકી હતી, જેથી નજીકમાં રહેલા લોકોએ ઘટનાસ્થળ પર પહોંચી તમામને બહાર કાઢી સારવાર માટે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હોસ્પિટલ પર પહોંચતાં એક બાળકી અને ત્રણ કિશોરી સહિત ચારને મૃત જાહેર કરવામાં આવી હતી, જ્યારે એકની હાલ સારવાર ચાલી રહી છે.
ભાવનગર શહેરના બોરતળાવ ( ગૌરીશંકર સરોવર)માં આજે સવારના સમયે નજીકના વિસ્તારમાં જ રહેતી પાંચ બાળા કપડાં ધોવા માટે ગઈ હતી, જેમાં એક બાળકી પાણીમાં પડી ગયા બાદ ડૂબવા લાગતાં તેની સાથે રહેતી અન્ય બાળકી અને કિશોરીઓ તેને બચાવવા માટે એક બાદ એક પડી હતી, જે તમામ ડૂબવા લાગતાં બૂમાબૂમ કરી મૂકી હતી. જેથી સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા હતા અને તમામને બહાર કાઢી સારવાર માટે ખસેડવામાં આવી હતી. હોસ્પિટલ પર ચારને મૃત જાહેર કરવામાં આવી હતી, જ્યારે એકની સારવાર હાલ ચાલી રહી છે, જે જોખમની બહાર હોવાનું જાણવા મળ્યું છે.