રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકની શિક્ષણ સમિતિમાં નોકરી મેળવવાના ઇરાદાથી ધોળકા તાલુકાના ફતેહપુર ગામના સુરસંગ મહોબતસંગ ડાભી નામના શખ્સે HSC પાસ અને PTC પાસના બોગસ સર્ટિફિકેટ બનાવી કોટડાસાંગાણી તાલુકાના દેતડિયા ગામની સરકારી પ્રાથમિક શાળામાં નોકરી મેળવી લેવાના 35 વર્ષ 6 માસ અને 20 દિવસ જૂના કેસમાં રાજકોટની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે ચુકાદો આપ્યો છે અને આરોપીને તકસીરવાન ઠરાવી 3 વર્ષની સજા અને રૂ.10 હજાર દંડનો હુકમ કર્યો છે. તેમજ જો આરોપી દંડ ન ભરે તો વધુ બે માસની સાદી કેદનો હુકમ કર્યો છે.
આ કેસની વિગત એવી છે કે, રાજકોટના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વી.કે.અનડકટે તા.09-05-1989ના રોજ આઇપીસી કલમ-406, 420, 468 અને 471 હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી તરીકે ધોળકાના ફતેહપુરના સુરસંગ મહોબતસંગ ડાભી, ધોળકાના ઇગોલી ગામના વાળંદ શામજી ચતુર અને તારાપુરના વિક્રમ છોટાભાઇ પટેલનું નામ આપ્યું હતું.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર આરોપી વિક્રમ છોટાભાઇ પટેલે તા.15-07-1986ના રોજ બોગસ સર્ટિફિકેટ બનાવ્યા હતા અને તેની પાસેથી આરોપી વાળંદ શામજી ચતુરે એચએસસી પાસ અને પીટીસી પાસના બોગસ સર્ટિફિકેટ મેળવીને તે આરોપી સુરસંગ મહોબતસંગ ડાભીને આપ્યા હતા.
તેના આધારે આરોપી સુરસંગ ડાભીએ સપ્ટેમ્બર 1986માં જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિની કોટડાસાંગાણી તાલુકાના દેતડિયા ગામે આવેલી સરકારી શાળામાં શિક્ષક તરીકેની નોકરી મેળવી લીધી હતી અને માર્ચ-1989 સુધી નોકરી કરી પગાર મેળવી સરકાર સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કર્યો હતો.