રાજકોટના સ્પિડવેલ પાર્ટી પ્લોટ પાસે શ્યામ સ્કાય લાઇફ એપાર્ટમેન્ટ બી-1204માં રહેતાં રાજભાઇ ત્રાંબડિયા (ઉ.વ.47) ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહીં મૃત જાહેર કરવામાં કરાયા હતા. બેંગ્લોર રહી નોકરી કરતાં રાજભાઇ બે દિવસ પહેલા જ અહિ આવ્યા હતાં. હાર્ટએટેક આવી જતા મોત નીપજ્યું હતું.
રાજભાઇ ગઇકાલે ઘરે જમીને સૂતા હોય બાદમાં તેમના માતા ભાવનાબેન તેને જગાડવા જતાં તેઓ ન જાગતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં અહિ મૃતદેહ જ પહોંચ્યાનું જાહેર થયું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી.
રાજભાઇ એક બહેનથી મોટા હતાં. તેમને સંતાનમાં એક દીકરો છે. પોતે બેંગ્લોર રહી નોકરી કરતાં હતા. દીકરો રાજકોટમાં ભણતો હોય તે તથા પત્ની અહીં રાજકોટ રહેતાં હતાં. બે દિવસ પહેલા જ રાજકોટ માતા, પત્ની, પુત્રને મળવા આવ્યા હતાં. આ બનાવથી પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે.
જ્યારે રૈયા ટેલિફોન એક્ચેન્જવાળી શેરીમાં રહેતાં કમલેશભાઇ જેઠાણી (ઉ.વ.37) નામના યુવાનનું હૃદય બેસી જવાથી મૃત્યુ થયું છે. યુવક રાત્રે પાણી પીવા માટે ઊભો થયેલ એ સાથે જ એકાએક બેભાન થઇ ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
પરંતુ અહીં તબીબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં શોક છવાયો છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં યુનિવર્સિટી પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર કમલેશભાઇ બે ભાઈથી નાના અને અપરિણીત હતાં.